ટીમ બે દિવસ રોકાશે : હોસ્પિટલ, ડોકટરો વગેરેની મુલાકાત સાથે સ્થિતિની સમીક્ષા

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૧
રાજયમાં દિવાળીના તહેવારોથી કોરોનાના કેસોમાં વિસ્ફોટક ઉછાળો નોધંતા સરકારી તંત્ર દોડતું થયું છે. તેની સાથે કેન્દ્ર સરકાર પણ એલર્ટ થતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ઉચ્ચ ટીમને ગુજરાત મોકલી છે. આ ટીમ આજે ગુજરાત આવી પહોંચતા અમદાવાદમાં એસવીપી હોસ્પિટલની મુલાકાત લઈ ડોકટરોની કામગીરી જોવા સાથે સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. કેન્દ્રીય ટીમના સભ્ય ડો. સુજિતકુમારે જણાવ્યું હતું કે, કોરોનાએ તંત્રની નિષ્ફળતા નથી. લોકોની બેદરકારી છે. લોકો દિવાળીમાં બહાર નીકળ્યા અને તેથી થયેલી ભીડને લીધે કોરોના ફરીથી વકર્યો છે. વધતા જતા સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર હોવાનું કહી કેન્દ્રીય ટીમ જાણે તંત્રને કલીનચીટ આપી હતી.
અમદાવાદમાં દિલ્લીની ત્રણ ડોક્ટરોની ટિમ મુલાકાતે આવી છે. આરોગ્યના ડૉ.એસ.કે.સિંઘની આગેવાની હેઠળની આ કેન્દ્રીય આરોગ્ય ટીમે એસવીપી હોસ્પિટલ મુલાકાત લીધી હતી. કોરોના દર્દીઓ સાથે ચર્ચા અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથું ઉચક્યું છે. ૧૦ થી ૧૫ દિવસમાં કોરોનાનો ગ્રાફ અચાનક જ વધ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્રીય આરોગ્ય ટિમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી હતી. દિલ્લીની ટીમે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડોકટરો સાથે પીપીઈ કીટ પહેરીને કોરોના દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. ડોક્ટરોને ચાર કલાક સુધી એસવીપી હોસ્પિટલમાં મીટીંગો કરી હતી. કેન્દ્રની ટીમના સભ્ય ડો સુરજીત કુમારે જણાવ્યુ હતુ કે, ગુજરાતની બે દિવસની મુલાકાત પર છીએ. વર્તમાન પરિસ્થિતિમાં કઇ રીતે સ્થાનિક તંત્ર અને હોસ્પિટલ કામ કરે છે તે અંગે સમિક્ષા કરી રહ્ય છીએ. કેન્દ્ર સરકાર તરફથી શુ મદદ સ્થાનિક તંત્રને આપી શકાય તેમજ સ્થાનિક તંત્ર તરફથી ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા કઇ પ્રકારની છે તે અંગે નિરીક્ષણ અર્થે અધિકારી ડોક્ટર સાથે ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય ટીમે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. અમદાવાદ શહેરમાં કોરોના અને નોન કોરોના માટે આપવામાં આવતી એમ્બ્યુલન્સ સેવા અંગે પણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં અમદવાદ માટે ૩૦૦ ડોકટરો ફાળવમાં આવ્યા છે. જેમાં વિવિધ ડ્યુટી આપવામાં આવશે. ડો.સુરજિતકુમારે કહ્યું હતું કે, કોરોના એ તંત્રની નિષ્ફળતા નથી પણ લોકોની બેદરકારી છે. કેન્દ્રીય ટીમે મેડિકલ સુવિધાઓમાં ફેરફાર અને મેડકિલ સુવિધાઓમાં વધારા અંગેના સૂચનો કર્યા હતા. ડૉ. સુજિત કુમારે કહ્યું હતું કે, બે દિવસ સુધી ગુજરાતમાં જ રહીશું. એ ઉપરાંત વડોદરા અને અન્ય જિલ્લામાં જઈને કોરોનાની પરિસ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓ સાથે પરામર્શ કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે, જેથી પ્રશાસનને દોષ ના આપી શકાય. લોકો દિવાળીમાં બહાર નીકળ્યા અને એકબીજાના સંપર્કમાં આવ્યા, જેથી કોરોના ફરીથી વકર્યો. કેન્દ્ર સરકારની ખાસ ટીમે અગાઉ ઓગસ્ટમાં વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોવિડનાં નિયંત્રણ અને નિયમન માટે કરવામાં આવેલી કામગીરી અને અસરકારકતાની ઓનલાઇન સમીક્ષા કરી હતી. AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા તબીબો સાથે રોગ અને સંક્રમણને લઈને પરામર્શ કર્યો હતો. ટીમે જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બન્ને તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરા પાડ્યાં હતાં. અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના કેસની હિસ્ટ્રીથી માંડીને સારવાર અને મૃત્યુનાં કારણો જાણવાની કોશિશ પણ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ઓગસ્ટમાં પણ કોરોનાના કેસ અંગેની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. દિલ્હીથી ૪ સભ્યની ટીમ ગુજરાતમાં આવીને સુરત અને અમદાવાદની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ ગુજરાત આવ્યા હતા.