સરકાર આ અંગે પુનઃ વિચાર કરે તેવી માંગ
કોરોના વાયરસના જે આંકડો બતાવાય છે તે ખોટા હોવાનો આક્ષેપ

વડોદરા, તા.૧૧
કોરોના મહામારીને કારણે છેલ્લા આઠ મહિનાથી બંધ સ્કૂલો હવે દિવાળી પછી ખોલવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જોકે, વડોદરાના વાલીઓ પોતાના બાળકોને જીવના જોખમે સ્કૂલમાં મૂકવા માટે તૈયાર નથી. રાજ્ય સરકાર કોરોના વાઈરસના જે આંકડાઓ બતાવે છે તે પણ ખોટા છે. તેવો આક્ષેપ વાલીઓએ કર્યો હતો. રાજ્યમાં ૨૩ નવેમ્બરથી ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવા અંગે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે, જોકે વડોદરા શહેરના વાલીઓએ એકીસૂરે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને બાળકોનું એક વર્ષ બગડે તો ભલે બગડે પણ અભ્યાસ માટે બાળકોના જીવ જોખમમાં મૂકવા માટે તૈયાર નથી. વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલશે નહીં. વડોદરા વાલી મંડળના સભ્ય મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરકારે અગાઉ જાહેરાત કરેલી જ હતી કે, કોરોનાની રસી નહીં શોધાય ત્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે, તેમ છતાં સરકારે પોતાના નિર્ણયને ભૂલી જઇને આત્મઘાતી પગલુ ભર્યું છે. કોઇ પણ વાલીઓ પોતાના બાળકના જીવ જોખમમાં મૂકીને સ્કૂલે મોકલવા તૈયાર નથી, ત્યારે સરકારે આ અંગે પુનઃ વિચાર કરવો જોઇએ. વડોદરાના વિદ્યાર્થીના વાલી મનિષાબેન પરમારે જણાવ્યું હતું કે, મારો પુત્ર ૯માં ધોરણમાં અભ્યાસ કરે છે. સરકારે ભલે જાહેરાત કરી પણ મારા પુત્રને સ્કૂલમાં મોકલવાની નથી. સરકાર જે આંકડા બતાવે છે તે અલગ છે અને વાસ્તવિકતા અલગ છે. મારા દીકરાનું ભલે એક વર્ષ બગડે, પણ હું મારા દિકરાનો જીવ જોખમમાં મૂકવા માંગતી નથી. સરકારે સ્કૂલો ખોલવા વિષે પુનઃ વિચાર કરવો જોઇએ. વાલી સંજયભાઇએ જણાવ્યું હતું કે, મારો દિકરો ૧૧મા ધોરણમાં અભ્યાસ કરે છે. રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાની જાહેરાત કરી છે, પરંતુ હું મારા બાળકને સ્કૂલે નહીં મોકલું. હાલ કોરોના વાઈરસ થવાનો ડર છે અને બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે.