અમદાવાદ, તા.ર૦
દિવાળીના તહેવારોની ઉજવણીમાં ઘેલા બનેલા લોકોએ સાવચેતી રાખી નહીં જેના લીધે કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું એટલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ રાત્રી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત સૌથી વધુ કેસો અમદાવાદમાં વધતા બે દિવસનો સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કરાયો છે. ત્યારે શુક્રવારે અમદાવાદ શહેરમાં વધુ ૩૦પ કેસ સાથે રાજ્યમાં કોરોનાના ૧૪ર૦ નવા કેસ નોંધાયા છે. જેને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસના આંકડા ૧.૯૪ લાખને પાર થઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોરોના મહામારીમાં જ લોકોને તહેવારોની ખરીદી અને ઉજવણી હવે ખૂબ જ ભારે પડી રહી છે. કારણ કે કોરોના વાયસરને ભૂલીને ગુજરાતી પ્રજા મોજશોખમાં મસ્ત બની ગઇ હતી પરંતુ હવે તેના પડઘા પડી રહ્યા છે. આ સાથે જ અમદાવાદમાં તો આગામી ૫૭ કલાક માટે કરફ્યૂની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૪૨૦ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૯૪,૪૦૨એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૮૩૭એ પહોંચ્યો છે. જ્યારે ૧૦૪૦ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૩૧ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૭,૯૦૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૩૦૫, સુરત કોર્પોરેશન ૨૦૫, વડોદરા કોર્પોરેશન ૧૧૬, રાજકોટ કોર્પોરેશન ૮૩, બનાસકાંઠા ૫૪, રાજકોટ ૫૪, ગાંધીનગર કોર્પોરેશન ૫૨, મહેસાણા ૫૨, પાટણ ૪૯, સુરત ૪૧, વડોદરા ૩૯, ગાંધીનગર ૩૪, મહીસાગર ૨૭, મોરબી ૨૪, અમદાવાદ ૨૨, જામનગર ૨૨, અમરેલી ૨૧, જામનગર કોર્પોરેશન ૨૦, કચ્છ ૨૦, સુરેન્દ્રનગર ૧૯, પંચમહાલ ૧૮, સાબરકાંઠા ૧૬, ખેડા ૧૫, નર્મદા ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૩, દાહોદ ૧૨, ગીર સોમનાથ ૧૧, આણંદ ૧૦, ભાવનગર કોર્પોરેશન ૯, જુનાગઢ ૯, અરવલ્લી ૭, દેવભૂમિ દ્વારકા ૬, ભરૂચ ૫, ભાવનગર ૫, છોટા ઉદેપુર ૫, બોટાદ ૩, નવસારી ૨, વલસાડ ૧, ૧ કેસ સામે આવ્યા છે.