રાજકોટ, તા.૨૨
શહેરના પોપટપરામાં રહેતા મનોજ વાડેચા નામના યુવાનની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દીકરાની હત્યાનો બદલો લેવા પિતા-પુત્રે સેન્ટ્રલ જેલ પાસે મનોજને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનું જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મનોજના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મનોજની હત્યા રાજેશ ટેકવાણી અને તેના પુત્ર રાહુલે કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજેશના પુત્ર વિશાલની થોડા સમય પહેલા જ મનોજના કૌટુંબિક ભાઇએ હત્યા કરી હતી. જેનો બદલો લેવા મનોજની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.