અમદાવાદ, તા. ૧૮
લોકડાઉન બાદ અનલોક-૧ થતાંની સાથે જ હવે તસ્કરો અને ગઠિયા માટે જાણે કે સિઝન શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. માધુપુરામાંથી નજર ચૂકવી રૂપિયા ૫ લાખ ભરેલી બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં પણ ગઠિયો ૨ લાખ ૨૯ હજાર ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો છે. નિકોલમાં રહેતા સંજય કનેરિયાએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેમના ભાઈની દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે તેમણે નાસિકથી તેમના વેપારીને ત્યાંથી ૨.૩૦ લાખ રૂપિયા મંગાવ્યા હતા. વેપારીએ રૂપિયા બાપુનગરની આર.સી.આંગડિયા પેઢીમાં મોકલી આપ્યા હતા. ફરિયાદી આ રૂપિયા લઈ તેમના ટેમ્પામાં કંડક્ટર સીટની સામેના પ્લાસ્ટિકના ખાનામાં મૂક્યા હતા અને તેઓ અનુપમ ટ્રાન્સપોર્ટ ખાતે ગયા હતા. જ્યાં રોડ પર ટેમ્પો પાર્ક કરીને તેઓ તેમના કામથી ગયા હતા. જો કે, થોડીવાર બાદ તેઓ પરત આવતા ટેમ્પામાં નજર કરતા જે ખાનામાં પૈસા મૂક્યા હતા તે ખાનું તૂટેલું જોવા મળ્યું હતું. જેમાંથી પૈસાની બેગ પણ ગાયબ હતી. જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુને તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ પકડવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવું રહ્યું.