(સંવાદદાતા દ્વારા) છાપી, તા.૭
પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર આવેલ કાણોદરમાં હિટ એન્ડ રનના બનાવમાં શનિવાર વહેલી સવારે કારની ટક્કર માં પિતા – પુત્રીનું કરૂણ મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જોકે અકસ્માત સર્જી કાર ચાલકે ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કાણોદર ગામમાં ગેરેજમાં કામ કરતાં અમરતભાઈ ભીખાભાઇ મીર (ઉ.વ. ૫૦) ધો-૨માં અભ્યાસ કરતી પોતાની દીકરીને શાળામાં મુકવા જઇ રહ્યાં હતા તે દરમિયાન હાઇવે ક્રોસ કરતા સમયે રાજસ્થાન તરફથી પુર ઝડપે આવતી કાર નંબર જી.જે.૩૮ ટી.એ. ૦૪૬૪ ના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી પિતા – પુત્રીને અડફેટે લઈ જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે બંને પચાસ ફૂટ હવામાં ફાગોળતા ઘટના સ્થળેજ બન્નેના કરૂણ મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જોકે અકસ્માત સર્જી કાર ત્રણસો ફૂટ જેટલી ઘસડાઈ હાઇવે પાસેની ચોકડીમાં જઇ ટકરાઈ હતી આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા દરમિયાન તાલુકા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી અને બન્ને પિતા- પુત્રીના મૃતદેહને પીએમ કરવા માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો જેની અટકાયત કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.