(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૧૭
૧૧ જુલાઇના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને આજીવન કેદની સજા ફટકારાઇ હતી. આ કેસમાં કોડીનારના રામભાઇ હાજાભાઇ સોલંકી સીબીઆઇના ૧૬૪ના નિવેદનના સાક્ષી હોવાથી કોડીનારથી અમદાવાદ સાક્ષી તરીકે ગયા હતા. પોતાની જુબાની આપી તેઓ પરત કોડીનાર ફરી રહ્યા હતા ત્યારે ગોંડલ નજીક તેના ફોનમાં અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સજાની સુનાવણી થયાને હજી ત્રણ કલાક જેટલો સમય થયો હતો અને રામભાઇને ધમકી મળી હતી. ધમકીનું રેકોર્ડિંગ રામભાઇના ફોનમાં રેકોર્ડ થઇ ગયું હતું. આથી રામભાઇએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી કરી છે. જેમાં રેકોર્ડિંગની સીડી પણ આપી છે. રામભાઇએ કોડીનાર પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મને ધમકી મળી તે અજાણ્યા શખ્સની વાતચીતમાં દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીની વાત કરતો હોવાથી તે ઇસમ તેની નજીકનો માણસ હોય તેવું સ્પષ્ટ થાય છે. આ કેસમાં દીનુ સોલંકી અને શિવા સોલંકીને આજીવન કેદની સજા થઇ હોવાથી દીનુ અને શિવા સોલંકી જેલમાં બેઠા મારી હત્યા કરાવી નાખે તેવી પૂરેપૂરી દહેશત હોવાથી ધમકી આપનાર શખ્સ સામે સાઇબર એક્ટની જોગવાઇ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવા વિનંતી કરૂ છું.