(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૨
વડોદરાની પ્રખ્યાત કેમિકલ કંપની દિપક નાઇટ્રેટએ તેની પૂર્વ મહિલા મેનેજર સામે અત્રેની સ્થાનિક કોર્ટમાં રૂા.૩૭૦ કરોડની નુકસાનીનો દાવો કર્યો છે જેમાં પૂર્વ મહિલા મેનેજર પર નોકરી છોડતા અગાઉ કંપનીના મહત્ત્વના ડેટા ચોરી કરવાનો તેમજ હરીફ કંપનીઓને આ ડેટા ટ્રાન્સફર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે દિપક નાઇટ્રેટ કંપનીના ફાઇન અને સ્પેશિયલિટી સેગમેન્ટનું ટર્ન ઓવર ૬૦૦ કરોડ રૂપિયાનું થવાની અપેક્ષા હતી. પરંતુ ડેટા ચોરી થવાને કારણે કંપનીને ૩૫૦ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ટર્ન ઓવરનું ટાર્ગેટ પણ હાસલ થઇ શકશે નહીં. સાથે જ ૧૦ કરોડની ખોટ તથા પ્રોડક્ટ ડેવલોપમેન્ટ માટે રોકેલા અન્ય રૂા.૧૦ કરોડનું પણ નુકસાન થશે તેમ કંપનીના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે કંપની દ્વારા વડોદરા સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં પૂર્વ મહિલા મેનેજર દ્વારા તેના કાર્યકાળ દરમિયાન પ્રોડકટ્‌સના ભાવ, રિપોર્ટ, પ્રોડકટ્‌સ, પ્રોડકટ્‌સ રેસીપી સહિતની સંખ્યાબંધ ડેટા ચોરી કરવામાં આવ્યો હતો અને મહિલા મેનેજર દ્વારા ૧૦ જાન્યુઆરીએ નોકરી છોડ્યા બાદ તેમની હરીફ કંપનીમાં જોડાયા હતા અને દિપક નાઇટ્રેટ કંપનીનો ડેટા ઇ-મેલ પર ટ્રાન્સફર કર્યો હતો.કંપની દ્વારા તેમના વકીલ જયદિપ પરમાર દ્વારા મહિલા મેનેજર સામે સ્થાનિક એડીશનલ સિનિયર સિવિલ જર્જ વી.આર.ચૌધરીની કોર્ટમાં રૂા.૩૭૦ કરોડના નુકસાનીનો દાવો કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ દાવા અંગે આગામી ૩૦ માર્ચના રોજ સુનાવણી હાથ ધરાશે.