(એજન્સી) તા.૨૯
૨૫,જાન્યુ.એ સાંજે ૭ વાગ્યાની આસપાસ કિસાન સંઘના નેતાઓ ટ્રેક્ટર માર્ચ પૂર્વે પોતાના તંબૂઓમાં બેઠકો યોજી રહ્યાં હતાં ત્યારે લાલ કિલ્લા ખાતે નિશાન સાહિબ ધ્વજ લહેરાવવાના વિવાદના કેન્દ્રસમાન કર્મશીલ બનેલ પંજાબી અભિનેતા દિપ સિદ્ધુએ સિંઘુ સરહદના મુખ્ય મંચ પર દેખાવકારોને સંબોધન કરવાનું શરૂ કર્યુ હતું. સિદ્ધુએ પંજાબીમાં દેખાવકારોને જણાવ્યું હતું કે હવે આરામ કરવાનો સમય નથી, પરંતુ બેરીકેડ તોડવાનો સમય છે. જો કે મુખ્ય સ્ટેજ પાછળ બેઠેલા નિહંગોએ તેમનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ કિસાન સંઘના નેતાઓએ જાહેર કરેલ રુટને જ અનુસરશે. આ ભાષણ સાંભળનાર અમરિકસિંઘે (નામ બદલેલ છે) જણાવ્યું હતું કે સિદ્ધુના ટેકેદારોએ પાંચ સભ્યોની સમિતિ જાહેર કરી હતી જેમાં દિપ સિદ્ધુ, લખા સિધાના, બે નિહંગો અને એક પાંચમી વ્યક્તિનો સમાવેશ થતો હતો. પાછળથી મધરાતની આસપાસ સિદ્ધુ મુખ્ય સ્ટેજ પર ગયો હતો અને જણાવ્યું હતું કે આજની રાત ઊંઘવાની રાત નથી. જો કે કિસાન સંઘના નેતાઓએ દીપ સિદ્ધુ ભાજપ સાથે કનેક્શન ધરાવતાં હોવાથી તેની ઉપેક્ષા કરી હતી. ભારતીય કિસાન સંઘના રાજ્ય મંત્રી સિંગારાસિંહ માને જણાવ્યું હતું કે આ ભાજપનું જ કામ છે અન્યથા લાલ કિલ્લા જેવા સ્થળે આવી ગુંડાગર્દી કઇ રીતે થઇ શકે ? મોદી સરકાર અમારા આંદોલનને નિષ્ફળ બનાવવા અમારા તમામ સાધનોનો ઉપયોગ કરી રહી છે. પંજાબી અભિનેતા અને કર્મશિલ દિપ સિદ્ધુ શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાંથી આવે છે. એનઆઇએ દ્વારા પણ શીખ ફોર જસ્ટિસ સાથેના તેના કનેક્શનને કારણે સિદ્ધુને સમન્સ પાઠવાવામાં આવ્યો હતો. સિદ્ધુએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલ વતી પ્રચાર પણ કર્યો હતો. સિદ્ધુ પોતાના ફેસબુક પેજ પર પંજાબના રાજકારણ અને ઇતિહાસ, શીખોના મુદ્દા અને ભીંદરણવાલેને લગતા વીડિયો શેર કરે છે. જ્યારે લખબીરસિંહ ઉર્ફે લખ્ખા સિધાના તે સામાજિક કર્મશીલ બનેલ ગેંગસ્ટર છે. ભટીંડા જિલ્લાના સિધાના ગામમાંથી આવતો લખબીર સામે લૂંટફાટ, હત્યા અને હત્યાનો પ્રયાસ, બૂથ કેપ્ચરિંગ, ગેંગવોર અને શસ્ત્રધારા હેઠળના ડઝન કરતાં વધુ કેસો ચાલી રહ્યાં છે. સિધાનાએ શિરોમણિ અકાલીદળના નેતા અને પૂર્વ પ્રધાન સિકન્દરસિંહ માલુકા માટે કામ કરતો હતો. ૨૦૦૪માં પ્રથમ વખત તે જેલમાં ગયો હતો ત્યાર બાદ અનેક વખત જેલમાં જઇ ચૂક્યો છે. લાલ કિલ્લા પરની ઘટના બાદ સિદ્ધુ અને સિધાના સામે સમગ્ર પંજાબમાં આક્રોશ ભડકી ઊઠ્યો છે.