કોડીનાર, તા.૧૩
આઈઆરએમ એનર્જી દ્વારા દીવમાં મલાલા સર્કલ પાસે ભારત પેટ્રોલિયમના “ગોવા પેટ્રોલિયમ” પર દીવના સૌપ્રથમ સીએનજી સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવા સીએનજી સ્ટેશનનું ઉદ્‌ઘાટન દીવના કલેકટર સલોની રાઈના હસ્તે કરવામાં આવેલ હતું. આ સમારોહમાં દીવના અગ્રણી અધિકારીઓ, આઈઆરએમ એનર્જીના અધિકારીઓ તથા ભારત પેટ્રોલિયમના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે દીવ કલેક્ટર સલોની રાઈએ જણાવ્યું હતું કે, ગ્રીન દીવ ક્લીન દીવનું આ અમારૂ પ્રથમ પગલું છે અને આવનારા દિવસોમાં છ માસની અંદર ઘરેલું ગેસ પાઇપલાઇનથી પણ ગેસ આપવા માટે કટિબદ્ધ છે. સીએનજીના વપરાશથી વાતાવરણમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં આઈઆરએમ એનર્જી દ્વારા ૮ સીએનજી સ્ટેશન ચાલુ કરવામાં આવ્યા હતા. જેમાંથી વેરાવળ ખાતે ૩, ઉના ખાતે ૪ અને કોડીનાર ખાતે ૧ સીએનજી સ્ટેશન કાર્યરત છે. આવનારા ટૂંક સમય માં તાલાળા, સાસણ અને ધોકડવામાં પણ નવા સીએનજી સ્ટેશન શરૂ થશે. પર્યટન ક્ષેત્રમાં પ્રવાસન વધવાથી વ્યાપાર ધંધાને પણ પ્રોત્સાહન મળશે.