(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની વિરૂદ્ધ અવાજ ઉઠાવનારા ચાર મુખ્ય ન્યાયાધીશોના કેસમાં કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ મૂક્યા છે. હકીકતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) એક નેતા તરફથી ચારેય ન્યાયાધીશોની કથિત ટીકા કરાયા બાદ કોંગ્રેસે મંગળવારે ભાજપા પર આર.એસ.એસ.ના પદાધિકારીઓ દ્વારા ન્યાયતંત્ર પર પ્રહાર કરવાનો આરોપ મૂક્યો.
દુઃખદ અને ખેદજનક ! ભાજપ આર.એસ.એસ. પદાધિકારીઓ દ્વારા ન્યાયતંત્ર પર હુમલો કરાવી રહી છે. સમગ્ર દેશ એવું જ ઈચ્છે છે કે મુખ્ય ન્યાયાધીશો તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉકેલવામાં આવે કે જેનાથી લોકશાહીને જોખમ છે. ભાજપ સરકારને આ મુદ્દા પર અવ્યવસ્થા ફેલાવવા અને ભાગલા પાડવાને બદલે તેને ઉકેલવા જોઈએ.
રાષ્ટ્રીય સંઘના અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ જે. નંદકુમારે ૧૩ જાન્યુઆરીએ પોતાની ફેસબુક કમેન્ટમાં ચારેય ન્યાયાધીશો પર અચૂક રાજકીય ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો.
સમાચારના અહેવાલો અનુસાર, મલયાલમમાં લખેલી પોતાની પોસ્ટમાં નંદકુમારે ન્યાયાધીશોની પત્રકાર પરિષદ કરવાના ‘ખાસ સમય’ પર નિશાન તાક્યંુ અને ‘ન્યાયતંત્ર’માં લોકોના વિશ્વાસ પર હુમલો ગણાવ્યો હતો.
સર્વોચ્ચ ન્યાયાલયના ચાર મુખ્ય ન્યાયમૂર્તિ જે. ચેલામેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે ગત સપ્તાહે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં મુખ્ય ન્યાયાધીશ પર કેસોની ફાળવણીને લઈને આરોપ લગાવ્યા હતા. ચારે જજોએ કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનું પ્રશાસન યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી.