બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ શુક્રવારે કહ્યું હતું કે, ખેડૂતોનીઆ પીડા જોઇને અત્યંત દુઃખી છું અને સરકારે કૃષિ કાયદાઓ મુદ્દે તેમના આંદોલનનો કોઇ ઉકેલ શોધવો જોઇએ. તેમણે લખ્યું કે, મારા ખેડૂત ભાઇઓની આ પીડા જોઇને ઘણો દુઃખી થયો છું, સરકારે ઝડપથી કાંઇ કરવું જોઇએ. ગયા અઠવાડિયે પણ અભિનેતાએ સરકારને વિરોધ પ્રદર્શનનો ઝડપી ઉકેલ લાવવા અપીલ કરી હતી અને દિલ્હીમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોનો હવાલો પણ આપ્યો હતો. ત્યારે તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું સરકારને અપીલ કરૂં છું કે, ખેડૂતોની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે. દિલ્હીમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આ અત્યંત દુઃખની બાબત છે.’ જોકે, બાદમાં અભિનેતાએ આ પોસ્ટને કોઇપણ ખુલાસો આપ્યા વિના ડિલિટ કરી દીધી હતી. એક યૂઝરે આ પોસ્ટનો સ્ક્રીનશોટ પાડીને આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું હતું કે, આ ટિ્‌વટ કેમ ડિલિટ કરવો પડ્યો. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે, આ પ્રકારની કમેન્ટથી હું દુઃખી થાઉં છું તેથી ડિલિટ કરી. તમે તમારા મનપસંદ કન્ટેન્ટથી મને પરેશાન કરી શકો. તમે ખુશ રહો તો હું ખુશ છું. હા હું મારા ખેડૂત ભાઇઓ માટે દુઃખી છું. સરકારે ઝડપથી કોઇ ઉકેલ શોધવો જોઇએ. અમારી કોઇ સાંભળતું નથી.