(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી જોગી જ્વેલર્સની દુકાનમાંથી અજાણ્યા તસ્કરોએ રૂા.૮૨.૮૩ લાખના દાગીના ચોરી કરી નાસી છુટ્યા હતા. બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડવામાં કાપોદ્રા પોલીસને સફળતા મળી હોવાનું જાણવા મળે છે.શહેરના વરાછા હીરાબાગ ખાતે કૈલાસધામ સોસાયટીમાં રહેતા ગોપાળભાઈ કાંતિભાઈ કોઠિયા કાપોદ્રાની માતૃશક્તિ રોડ પર જોગી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગુરૂવારે ૧૨મી એપ્રિલના રોજ બપોરે રાબેતા મુજબ ૧૨ઃ૩૦ કલાકે ગોપાળભાઈ દુકાન બંધ કરીને ઘરે જમવા માટે ગયા હતા. પોણા ચાર વાગે જમીને પાછા દુકાને આવતા ભારે ભરબપોરે ગણતરીના સમયગાળા દરમિયાનમાં ચોરી થઈ હતી. તસ્કરો જ્વેલર્સ દુકાનને અડીને આવેલ મકાનનીકોમન દિવાલમાં બાકોર પાડીને દુકાનમાંથી ૨૨ કિલો ચાંદી તેમજ અઢી કિલો સોનાના દાગીના તેમજ ૮૦ હજાર રોકડા રૂપિયા મળી ૮૨,૮૩,૪૦૦ની ચોરી કરી નાસી ગયા હતા. કાપોદ્રા પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જે મકાનમાંથીછ બાકોરૂ પાડયું હતું. તે મકાનની રાજસ્થાનની વ્યકિતનું હોવાનું જણાઈ આવતા તાત્કાલિક પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી. કાપોદ્રા પોલીસે ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડી મોડી સાંજ સુધી સુરત પહોંચી આગળની તપાસ હાથ ધરનાર હોવાનું જાણવા મળે છે.