સુરેન્દ્રનગર, તા.૧૯
સુરેન્દ્રનગર શહેરના સી.જે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર્સ ચલાવતા અજયસિંહ નામના યુવાનનું દુધરેજ પાસે આવેલા કામનાથ મહાદેવના મંદિર પાસેથી ગઈકાલે સાંજના સમયે ચાર શખ્સોએ અપહરણ કરીને રૂપિયા પાંચ લાખની ખંડણી માગતા શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
સુરેન્દ્રનગર શહેરની મિત્ર મંડળ સોસાયટીમાં રહેતા નિવૃત પી.એસ.આઇ દોલુભા ડોડીયાના પુત્ર અજયસિંહ દૂધરેજ રોડ ઉપર આવેલા કામનાથ મહાદેવના મંદિર પાસેથી પસાર થતા હતા તેવા સમયે અજયસિંહનું ફિલ્મી ઢબે અપહરણ કરીને ચાર શખ્સો નાસી છૂટયા હતા ત્યારે યુવાનના પિતાએ આ અંગે અપહરણની જાણકારી આપીને સુનિલ ઉર્ફે સોનુ રબારી સામે શંકા વ્યક્ત કરી હતી. અજય સિંહનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો આમ છતાં પણ અજય સિંહના મોબાઈલના લોકેશન ઉપર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક અને એમની ટીમના લોકેશનના આધારે રાત્રિના ૯ઃ૩૦ કલાકે સાયલા હાઇવે સર્કલ પાસેથી અજયસિંહ ગંભીર હાલતમાં મળ્યા હતા જ્યારે હાલમાં અપહરણકારો નાસી છૂટયા છે. રૂબરૂ મુલાકાત લેતા દોલુભા ડોડીયા પોતાના પુત્ર પાસે ચાર શખ્સોએ રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે પોલીસની સતર્કતાને કારણે અજયસિંહ આબાદ છૂટકારો થયો હોવાનું પણ જણાવ્યું હતું.
યુવાનનો દુધરેજના કામનાથ મહાદેવ મંદિર પાસેથી અજય સિંહ ડોડીયાનું અપહરણ કરીને ખંડણીખોરો નાસી છૂટ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાંથી જિલ્લા પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એલસીબી પી.આઈ સીટી પીઆઇ સહિતનો સ્ટાફ અપહરણ માટે ધંધે લાગ્યો હતો. હાલમાં અજય સિંહના અપહરણ અંગે સીસીટીવી ફૂટેજના આધારે આ ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી છે.