(એજન્સી) વોશિંગ્ટન, તા.૩
કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો દુનિયાભરમાં ભયાનક રૂપ લઇ રહ્યો છે. આજે કોરોના સંક્રમિત આંકડાએ કાલનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગઇકાલે દુનિયામાં ૧.૯૭ લાખ નવા કોરોના દર્દી સામે આવ્યાં હતા. આજે કોરોનાના નવા દર્દીનો આંકડો ૨,૦૦,૦૦૦થી વધારે જોવા મળ્યો. વર્લ્ડોમીટરના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દુનિયામાં ૨,૦૫,૧૬૨ કેસ નોંધાયા છે.
આ એક દિવસનો અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. જ્યારે દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧ કરોડ ૯ લાખ ૭૦ હજાર લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે, જ્યારે મૃતકોની સંખ્યા ૫ લાખ ૨૩ હજાર ઉપર પહોંચી ગઇ છે. અમેરિકા અત્યારે પણ કોરોનાના સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૨૮.૩૩ લાખ લોકો સંક્રમણનો શિકાર થઇ ગયા છે, જ્યારે ૧ લાખ ૩૧ હજારથી વધારે લોકોના મૃત્યું થયા છે. બ્રાઝિલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭, ૯૮૪ કેસ નવા સામે આવ્યાં છે અને સૌથી વધારે ૧૨૭૭ લોકોના મૃત્યું થયા છે. બ્રાઝિલ પછી રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે ઝડપથી વધી રહી છે. બ્રાઝિલ, રશિયા, સ્પેન, યૂકે, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇટાલી, ઇરાન, મેક્સિકો, પાકિસ્તાન અને તર્કીમાં કોરોના કેસની સંખ્યા ૨ લાખથી ઉપર પહોંચી ગઇ છે. જ્યારે જર્મની અને દક્ષિણ અરબમાં પણ ૧ લાખ ૯૦ હજારથી વધારે કેસ સામે આવ્યાં છે. ભારત દુનિયામાં સાથી વધારે કેસમાં ચોથા નંબર પર છે, જ્યારે સૌથી વધારે મૃત્યની યાદીમાં આઠમાં નંબર પર છે.