(એજન્સી) દુબઈ, તા.૬
કોરોના વાયરસ (કોવિડ-૧૯)નો કહેર આખા વિશ્વમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે મોટાભાગના દેશો દ્વારા લોકડાઉન કે કર્ફ્યૂ લાદીને લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એવામાં દુબઈથી સમાચાર સામે આવ્યાં છે, કે અહીં ગત મહિનાના અંતમાં પ્રતિબંધો હળવા કરી દેવાતા હવે ગત બુધવારથી મોલ્સ અને ખાનગી વ્યવસાયોને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. સામાજિક અંતરના નિયમોને આધિન ગત મે મહિનામાં સિનેમા, જીમ, આઈસ રિંક અને તેના ઇન્ડોર સ્કી સ્લોપ સહિતના કેટલાક છૂટક તેમજ જથ્થાબંધ વ્યવસાયોને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા હતાં, કે જેથી તેને જંતુમુક્ત કરવાની કામગીરી હાથ ધરી શકાય અને દેશના તમામ વ્યવસાયોને ફરી એકવાર ધમધમતા કરી શકાય. ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસનો કહેર આજે આખા વિશ્વમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે યુએઈ (સંયુક્ત અરબ અમીરાત) પણ તેમાંથી બાકાત રહ્યું નથી. યુએઈમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૬,૩૫૯થી પણ વધુ કેસો સામે આવી ચૂક્યા છે અને ૨૭૦ લોકોએ તેને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ૧૯,૧૫૩ લોકોએ કોરોના વાયરસને માત આપી છે. બીજી તરફ, સમગ્ર વિશ્વમાં કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ૬૫,૯૦,૩૨૯ જેટલી થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને ૩,૮૮,૩૫૪ જેટલો થઈ ગયો છે.