(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
કોરોના વાયરસના ભયને લઈ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રીની આગેવાની હેઠળની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જેમાં દૂધ માટે ડેરી -દૂધ સંઘો પર સરકાર નિયુકત અીધકારી દેખરેખ રાખશે અને શાકભાજી-ફળો વગેરે માટે રાજ્યની એપીએમસીમાં સહકાર વિભાગના સચિવની દેખરેખ નિશ્ચિત કરાઈ છે. આ સાથે ખેડૂતોને રાહત આપવા ધિરાણની મુદ્દત લંબાવવા કેન્દ્રમાં રજૂઆત કરવા સાથે વ્યાજ રાહત આપવાનો પણ નિર્ણય લેવાયો છે. બેઠકમાં લેવાયેલ નિર્ણય માટે પ્રથમ દૂધ વિતરણમાં કે શાકભાજી ફળફળાદીના પુરવઠામાં વિપરીત અસર ન પડે તે માટે રાજ્યના બનાસડેરી, સુમુલ, સાબર, પંચમહાલ અમુલ ડેરી સહિત ૧૮ જેટલા મોટા દૂધ સંઘો પર દૂધની આવક અને વિતરણ વ્યવસ્થા પર દેખરેખ અને સંકલન માટે રાજ્ય સરકારના અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનકુમારે આ અંગેની વિગતો આપતા ઉમેર્યું કે, ગુજરાતમાં દૈનિક પ૩ હજાર કવીન્ટલથી વધુ શાકભાજીની આવક રહે છે. આ શાકભાજી તેમજ ફળફળાદી સરળતાએ મળે તે માટે રાજ્યની ૭પ જેટલી એપીએમસીમાં સહકાર વિભાગના સચિવની આગેવાનીમાં અધિકારીઓ દેખરેખ રાખશે. ગુજરાતમાં પડોશી રાજ્યોમાંથી પણ શાકભાજીનો જથ્થો આવે છે. આ જથ્થો પણ નિયમિત આવતો રહે, તેને લઈને આવનારા વાહનોને કોઈ સમસ્યા ન નડે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને જે તે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવ સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થા જળવાય તેની સૂચનાઓ આપી છે. રાજ્યના ધરતીપુત્રોએ પોતાના પાક માટે લીધેલું ટૂંકી મુદ્દતનું ધિરાણ તા.૩૧ માર્ચ-ર૦ર૦ સુધી પરત કરવાનું હોય છે. ત્યારે વર્તમાન સ્થિતિમાં આ પરત ચૂકવણી સમયમર્યાદા બેથી ત્રણ માસ લંબાવવા રાજ્ય સરકારે ભારત સરકારને રજૂઆત કરી છે. આ ઉપરાંત આ વધારાના સમયગાળા માટેની વ્યાજ રાહત પણ રાજ્ય સરકાર ખેડૂતોને આપશે.

રાજ્યના શ્રમજીવી કુટુંબોને એક
માસનું રાશન વિનામૂલ્યે અપાશે !

કોરોના વાયરસના ભય વચ્ચે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રોજનું કમાઈને ખાનારા શ્રમજીવી પરિવારોના મોટા વર્ગને તેની અસર થઈ રહી છે ત્યારે આ મુદ્દે વિરોધપક્ષ કોંગ્રેસ સહિત અન્યો દ્વારા આ લોકોની સહાય-પેકેજ વગેરે માટે કરાઈ રહેલી માગણીઓ વચ્ચે આજે સરકાર દ્વારા એક માસ માટે શ્રમજીવી પરિવારોને વિનામૂલ્યે રાશન આપવાનો અગત્યનો નિર્ણય લેવાયો છે. રાજ્યના આવા ૬૦ લાખ પરિવારોને સસ્તા અનાજની દુકાન પરથી રાશન આપવામાં આવનાર હોવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. રાજ્યમાં ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજ-વસ્તુ અને અનાજની કોઈ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યક્તિ દીઠ ૩.પ૦ કિલો ઘઉં, ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે.