(એજન્સી) તા.ર૭
દિલ્હી હિંસામાં નફરતની આગ એટલી હદે હાવી થઇ કે રમખાણકારોએ ન તો બાળકોને જોયા ન તો વૃદ્ધોને અને તેમણે બધાને જ નિશાન બનાવી લીધા. ઉત્તર પૂર્વ દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારમાં ગામડી વિલેજ એક્સટેન્શનમાં રમખાણકારોએ એક ઘરમાં ઘૂસીને આગચંપી કરી હતી જેમાં ૮પ વર્ષની વૃદ્ધ મહિલા અકબરી જીવતી રાખ થઇ ગઇ હતી. અકબરીના દીકરા મોહમ્મદ સઇદ સલમાનીએ જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંગળવારે હું ઘરથી બહાર દૂધ લેવા નીકળ્યો હતો.
જ્યારે હું પાછો ફર્યો તો જોયું કે ૧૦૦-૧પ૦ લોકો મારી શેરીમાં ઊભા હતા. તે લોકોએ મારા ઘરનો દરવાજો પણ તોડી નાખ્યો હતો અને બે ફ્લોર પર આગચંપી કરી દીધી હતી. મારી પત્ની અને બાળકો દોડીને છત પર જતા રહ્યા પણ મારી ૮પ વર્ષીય માતા ન નીકળી શકી. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. સલમાની પોતાના ઘરમાં બે ફ્લોર પર ગારમેન્ટનુ વર્કશોપ ચલાવતો હતો.
દિલ્હી હિંસામાં અકબરીની જેમ ર૭ લોકોએ જીવ ગુમાવ્યા. કોઈના તાજેતરમાં જ લગ્ન થયા હતા તો કોઈ વેપારી હતો. કોઇ વણકર હતો તો કોઈ બાંધકામ મજૂર. કોઇ રોજી-રોટી માટે ઘરેથી નીકળ્યો હતો તો કોઇ બાળક માટે ટોફી લેવા પણ કોઈ પાછું ફર્યું નહીં. મુસ્તફાબાદના વતની અશફાક હુસૈન મંગળવારે કામેથી ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમના ગળા પર બે લોકોએ હુમલો કરી દીધો.
તેને પાંચ ગોળીઓ પણ વાગી પણ બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયો. અશફાક એક ઇલેક્ટ્રિશિયન હતો અને તેને ઘરે રાત્રે પાછો ફરી રહ્યો હતો. તેની પત્નીએ જણાવ્યું કે તાજેતરમાં જ ૧૪ ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા હતા. ગામડી વિસ્તારના જ એક ઇસ્માઇલે કહ્યું કે અજિજિયા મસ્જિદ અમારા વિસ્તારમાં આવેલી છે. આશરે અહીં ૧૦૦થી વધુ મુસ્લિમોના મકાનો પણ છે. લોકોનું ટોળું અહીં ધસી આવ્યું હતું. અહીં તેમણે મસ્જિદને આગચંપી કરી હતે કુરઆન શરીફ પણ તેની લપેટમાં આવી ગયું હતું.