(એજન્સી) મુંબઈ, તા.૧૭
ફિલ્મ અભિનેતા અજય દેવગણ અભિનિત દૃશ્યમ અને મદારી તથા રોકી હેન્ડસમ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનારા નિર્દેશન નિશિકાંત કામતનું નિધન થઇ ગયું છે. તેણે સોમવારે સાંજે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના ખાસ મિત્ર અને ફિલ્મ અભિનેતા રિતેષ દેશમુખે એક ટિ્‌વટ દ્વારા કરી હતી. રિતેષે કામતને શ્રદ્ધાંજલિ પતા કહ્યું હતું દોસ્ત નિશિકાંત મને તમારી ખૂબ યાદ આવશે. તમારા આત્માને શાંતિ મળે. ૫૦ વર્ષિય કામત લિવર સાયરોસિસ નામની ગંભીર બિમારીથી પીડાતા હતા જેના કારણે ગત ૩૧ જુલાઇના રોજ તેમને હૈદરાબાદની એઆઇજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પેટમાં દુખાવો થવાની અને કમળો થઇ જવાની ફરિયાદ કરી હતી. ડોક્ટરોની તપાસ બાદ તેમને ક્રોનિક લિવર ડિસીઝ અને થોડું ઇન્ફેકશન લાગી ગયું હોવાનું જણાયું હતું. કામતને આઇસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા ને ડોક્ટરોના ઓબ્ઝર્વેશનમાં હતાં તેમ છતાં ૧૩ ઓગસ્ટના રોજ હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં કામતને હવે કોઇ જોખમ નહીં હોવાનું જણાવાયું હતું. સોમવારે હોસ્પિટલે સત્તાવાર નિવેદન બહાર પાડીને તેમના નિધનના સમાચાર આપ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે નિશિકાંતના મોતના ચાર કલાક પહેલાં જ તેમનું મોત થઇ ગયું હોવાની સોસિયલ મીડિયા ઉપર અફવા ફેલાઇ ગઇ હતી. વાસ્તવમાં ફિલ્મ પ્રોડ્યુસર મિલાપ ઝવેરીએ ટિ્‌વટ કરીને તેમના મોતના સમાચાર વહેતા કર્યા હતા, અ બાદમાં આ સમાચાર વાયરલ થઇ ગયા હતા. જો કે પોતાની ભૂલ સમજાતા ફક્ત ૧૨ મિનિટમાં જ તેમણે પોતાની ટિ્‌વટ અંગે સ્પષ્ટતા કરતી નવી એક ટિ્‌વટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે હમણાં જ નિશિકાંતની સાથે નજીકનો સંબંધ ધરાવતી એક વ્યક્તિ સાથે વાત થઇ હતી અને તેમણે જણાવ્યું હતું કે હજુ નિશિકાંતનું નિધન થયું નથી, પરંતુ તેમની સ્થિતિ ખુબ જ નાજૂક છે અને હાલ તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.