(સંવાદદાતા દ્વારા)
દાહોદ, તા.૧
દેશવ્યાપી લોકડાઉનનો માહોલ છે તેવા સંજોગોમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની સબજેલમાંથી તેર કાચા કામના કેદી નાસી છૂટ્યા હોવાની વિગતો બહાર આવતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવગઢ બારિયા સબજેલમાંથી વહેલી સવારે ચાર વાગ્યા પહેલા તેર કાચા કામના કેદી નાસી છૂટ્યા હતા. બેરેક નંબર ૧ની રૂમ નંબર ૩ના છ તથા રૂમ નંબર ૪માંથી સાત કેદી બેરેકનું તથા તેમની રૂમના તાળા એમ ત્રણ તાળા તોડીને જેલની દિવાલ કુદીને ગુરૂવારે મધરાત બાદ ભાગી ગયા હતા. જેલગાર્ડના ઇન્ચાર્જ એ.એસ.આઇ. છત્રસિંહ કાનસિહે આ ઘટનાના જાણ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર તેઓ ઉપરાંત પો.કો. નટવરભાઇ શંકરભાઇ, શૈલેષ રમસુભાઇ તથા કલ્પેશભાઇ જશવંતભાઇ રાત્રે બેથી ચાર વાગ્યા સુધી પહેરામાં હતા. તે દરમિયાન સવારે ત્રણથી ચાર દરમિયાન બેરેક અને રૂમના તાળા તોડીને તેર લોકો ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ભાગી છૂટેલાઓમાં તમામ ગંભીર પ્રકારના ગુનાઓમાં પકડાયેલા હતા. આ અંગેની તંત્રને જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે સ્થળ દોડી ગયા હતા. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં જેલમાંથી ભાગી છૂટેલા કેદીઓ બપોર સુધી પોલીસના હાથમાં આવ્યા ન હતા. જિલ્લાપોલીસ વડાએ આખા જિલ્લાના તમામ નાકાઓ પર એલર્ટ જારી કર્યુ હતું.
પ્રાથમિક વિગતો મુજબ આ તેર કેદીઓએ એક બેરેકનુ તથા બે રૂમના તાળા તોડ્યા હતા. બહાર નીકળીને જેલની દિવાલો કૂદી હોવાનું મનાય છે. ખરેખર આ લોકો કેવી રીતે ભાગ્યા ? તે સવાલ અંગે જિલ્લા પોલીસે હાલમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેદી નાસી છૂટ્યા હોવાની ઘટનામાં ફરજ પરના જેલગાર્ડના બેદરકારી પણ સામે આવતી હોવાથી હાલમાં ચાર ગાર્ડની સામે ગુનો દાખલ કરીને તેઓની સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નાસી છૂટેલાઓમાં કોણ કોણ ?

હિમંતસિહ રૂપસિંહ બારિયા-ચેનપુર, દેવગઢ બારિયા, કનુ ઉર્ફે કિશન વાઘાભાઇ બારિયા-સીંગવડ, દાહોદ, ગબી વિરીયાભા મોહનીયા-ઉંડાર, ધાનપુર, દાહોદ, અરવિંદ ઉર્ફે ચયો ભયલાભાઇ તંબોળીયા-ભોરવા, ધાનપુર, દાહોદ, શૈલેશ ભાવસિંહ ભુરીયા-બિલીયા, ધાનપુર, દાહોદ, વિજય ઉર્ફે બિજલ સરદારભાઇ પરમાર : ભાણપુર, ધાનપુર દાહોદ, રાકેશ જવાભાઇ માવી-માતવા, ગરબાડા, દાહોદ, મુકેશ ઉર્ફે બાલુભાઇ જાલુભાઇ બામણીય-માતવા, ગરબાડા, દાહોદ, રમેશ પીદીયાભાઇ પલાસ-ખજુરીયા, ગરબાડા, દાહોદ, અરવિંદ સમરસિંહ કોળી-ભથવાડા, દેવગઢ બારિયા, દાહોદ, ગણપત મોહનભાઇ હરીજન-નળુ, ધાનપુર, દાહોદ, કમલેશ થાવરીયા પલાસ-માતવા, ગરબાડા, દાહોદ.