ગુજરાત પ્રદૂષણમુક્ત બને તે અર્થે સીએનજીના વ્યાપક ઉપયોગ માટે વધુ એક પહેલ

(સંવાદદાતા દ્વારા)ગાંધીનગર,તા.૯
વિશ્વ સમક્ષ હવાનું પ્રદુષણ એક મોટો પડકાર છે. ત્યારે ગુજરાત પ્રદુષણમુકત બને તે માટે સીએનજી ગેસના વ્યાપક ઉપયોગ માટે રાજયમાં વધુ એક એક પહેલ કરવામાં આવી રહી છે. રાજયમાં સીએનજી સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વધુ ૧૬૪ સીએનજી ફિલીંગ સ્ટેશન્સ કાર્યરત કરવા માટેના લેટર ઓફ ઈન્ટેન્ટ અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે , દેશના કુલ ફિલીંગ સ્ટેશનના સૌથી વધુ ૩૦ ટકા એકલા ગુજરાતમાં છે. આગામી દિવસોમાં રાજયમાં ૯૦૦ ફિલીંગ સ્ટેશન્સ શરૂ કરવાનો લક્ષ્યાંક હોવાનું તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદુષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા સીએનજીની વાહનચાલકોને સરળતાએ સીએનજી ઉપલબ્ધિની નવતર પહેલ કરી છે. રાજય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત આ ઈ-વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઈ રહે અને પ્રદુષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજય સરકારનો સ્પષ્ટ અભિગમ છે. આ હેતુસર રાજયમાં સીએનજી અને પીએનજીનો વધુ ઉપયોગ થાય તેવું સુદ્રઢ આયોજન રાજય સરકારે કર્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના પડકારોને ઝિલી લઈને તેની સામે ઝીરો ટોલરન્સ સાથે આપણે પર્યાવરણ સુરક્ષાના સંતુલન અને વિકાસની ગતિ જારી રાખવી છે. ગુજરાતે સીએનજી વાહનોનો વધુ ઉપયોગ થાય અને પ્રદુષણ અટકે તે માટે પેટ્રોલ-ડીઝલના ઈંધણ વિકલ્પરૂપે સીએનજીને પ્રોત્સાહન આપવાની પહેલ કરીને રાજયમાં સીએનજી સ્ટેશનોનો વ્યાપ વિસ્તાર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં ર૩ વર્ષમાં પ૪ર સીએનજી સ્ટેશન હતા તેની સામે પાછલા બે જ વર્ષમાં ૩૮૪ સીએનજી સ્ટેશન્સ આપણે કાર્યરત કર્યા છે.સીએનજી સહભાગી યોજના શરૂ કરી ત્યારે ૩૦૦ સીએનજી સ્ટેશન શરૂ કરવાના લક્ષ્યાંક સામે આજે લક્ષ્યાંકથી પણ વધુ એટલે ૩૮૪ સ્ટેશનન્સ રાજયમાં થયા છે. સમગ્ર દેશમાં ર૩૦૦ સીએનજી ફિલીંગ સ્ટેશન્સ સામે એકલા ગુજરાતમાં ૬૯૦ એટલે કે કુલ સીએનજી સ્ટેશનના ૩૦ ટકા સીએનજી સ્ટેશન્સ છે તેમ તેમણે ઉમેર્યું હતું.