(એજન્સી) તા.૮
હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજે બુધવારે જણાવ્યું હતું કે દેશ અને રાજ્યના લોકોએ કોરોના મહામારીને કારણે ઊભા થયેલા પડકારો અને આફતને અવસરમાં પલ્ટી નાખી છે. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરના ૫૬માં જન્મદિને કોવિડ મહામારી પર જનજાગૃતિ ઝુંબેશનું આયોજન કરનાર સેક્રેટીએટ સર્વિસીઝ સ્પોટ્ર્સ કંટ્રોલ બોર્ડના સહભાગીઓને સંબોધતા સુરેશ ભારદ્વાજે જણાવ્યું હતું કે ૧૯૧૮માં દેશમાં આ પ્રકારની જ મહામારીને કારણે બે કરોડ લોકોના મૃત્યુ થયાં હતાં અને એ વખતે મહામારીની સારવાર માટે દવા તૈયાર કરતા અસંખ્ય વર્ષો લાગ્યાં હતાં. શહેરી વિકાસ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે કામ લેવા માટે દેશના અને વિશ્વના વૈજ્ઞાનિકોએ માત્ર એક જ વર્ષમાં વેક્સીન તૈયાર કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારી માટે ભારતના વૈજ્ઞાનિકોએ એક સાથે બે વેક્સીન બનાવી છે તે દેશ માટે ગર્વની વાત છે. તેમણે એવું પણ ઉમેર્યુ હતું કે હિૅમાચલ પ્રદેશના લોકો માટે પણ ટૂંક સમયમાં વેક્સિન પ્રાપ્ત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ કોરોના મહામારી સાથે પસાર થઇ ગયું છે અને આપણે લોકડાઉન જેવી સ્થિતિના સાક્ષી બન્યાં છીએ પરંતુ રાજ્ય સરકારે આ વૈશ્વિક મહામારીની અસરોથી સામાન્ય લોકોને બચાવવા માટે વિવિધ અસરકારક પગલાઓ લીધાં છે. તેમણે જણાવ્યું હતું કે એ વાત ખરેખર ગૌરવપ્રદ છે કે રાજ્યને સમર્થ નેતૃત્વ પ્રાપ્ત થયું છે કે જેઓ સ્વયં ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતાં હોવાથી રાજ્યની સામાન્ય પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓથી સુમાહિતગાર છે. આ પ્રસંગે હિમાચલ પ્રદેશ સેક્રેટરીએટ સર્વિસીઝ સ્પોર્ટ કંટ્રોલ બોર્ડના મહામંત્રી રાજેશ શર્મા અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
Recent Comments