(એજન્સી) અલીગઢ, તા.૮
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અહીં યોજાયેલ પદવીદાન સમારંભમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકલા ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને એશિયા તથા આફ્રિકામાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે.
કોવિંદે જણાવ્યું હતું કે, ર૦૧૭માં જ્યારે તેઓ ઈથોપિયાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમને તે સાંભળીને ઘણી ખુશી થઈ હતી કે ઈથોપિયાના વડાપ્રધાનના પત્ની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થિની છે. તેમણે જણાવ્યું હતું કે, મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની યાદીમાં સમાવેશ પામે છે. હાલ ગતિશીલતાનો દોર છે. આપણે બધા વિશ્વ માહિતી સોસાયટીના સભ્યો છીએ.
કોવિંદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, દેશના વિકાસ તથા શિક્ષણમાં આ યુનિવર્સિટીનો સિંહફાળો રહ્યો છે. મુસ્લિમ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓની યાદી ઘણી લાંબી છે. તેઓએ રાજકારણ, વહીવટીતંત્ર, શિક્ષણ, કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહિત્ય, આટ્‌ર્સ તથા સ્પોર્ટસમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત રત્નખાન અબ્દુલ ગફ્ફાર ખાન, રંગભેદ નીતિના વિરોધી ડો.યુસુફ મુહમ્મદ દાદુ તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઝાકીર હુસૈન આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે. તેમણે મોડર્ન સાયન્સમાં ડો.સૈયદ ઝહુર કાસીમ, પ્રોફેસર એ.સલાઉદ્દીન તથા ડો.શાહિદ જમીલના યોગદાનને પણ યાદ કર્યું હતું. જેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા.
રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, વિકાસવાદી મહિલા ઈસ્મત ચુગતાઈ અને મુમતાઝ જર્હાંન ભારતીય સમાજના પ્રતિષ્ઠિત લોકો છે. જેઓ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા.