અમદાવાદ, તા.૧૭
એક તરફ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે તેની સાથે સાથે આંધી, વાવાઝોડું તેમજ ધરતીકંપ જેવા અવાર નવાર પ્રકોપ દ્વારા કુદરત પોતાની સખ્ત નારાજગી દર્શાવી રહી છે. કોરોના મહામારીના કુદરતી પ્રકોપમાંથી શિખામણ લેવાની જરૂર છે. તેમજ દેશના તમામ ધર્મ, જાતિએ એકજૂટ થઈ મહામારીનો સામનો કરવાનો સંદેશ આપવાનો સમય છે. ત્યારે વિશ્વ મહામારીના કપરા સમયે વિકૃત પીળા પત્રકારિત્વ દ્વારા અયોગ્ય રીતે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતું માનવતા વિરૂદ્ધ હિન અને રાક્ષસી કૃત્ય ન્યૂઝ ૧૮ ચેનલના એન્કર અમિષ દેવગને આચર્યું છે. વિશ્વના હિન્દુ મુસ્લિમ તમામ ધર્મ અને જાતિના લોકોમાં આસ્થાનું પ્રતિક, કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક અજમેર સ્થિત સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.) વિરૂદ્ધ વિકૃત કોમવાદી માનસિકતા ધરાવતા એન્કર અમિષ દેવગન દ્વારા તા.૧પ-૬-ર૦ર૦ના રોજ (આર-પાર મેં આજ સબસે નઈ બહસ) નામે ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિબેટનું આયોજન જાણી જોઈને ધાર્મિક લાગણીઓ દુભાવવા તેમજ બે કોમ વચ્ચે વૈમનસ્ય અને દુશ્મનાવટ જેવી સ્થિતિનું નિર્માણ દેશની એકતા અને અખંડતા તોડી કોમી વૈમનસ્ય ફેલાવવાના ભાગરૂપે કરવામાં આવેલ હતું. ઉપરોકત લાઈવ ડિબેટની વીડિયો ચકાસતા ડિબેટ દરમિયાન અમિષ દેવગન દ્વારા નિમ્ન શબ્દો અને વિચારસરણીનો ઉપયોગ કરવામાં આવેલ છે. ઉપરોકત બાબતે કોમી એકતા અને ભાઈચારામાં માનનારા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.)ના અનુયાયીઓ દ્વારા વિવિધ જિલ્લા અને શહેરોમાં અમિષ દેવગનના હિન કૃત્ય બદલ ફરિયાદ આપવામાં આવેલ છે. ધારાસભ્ય તરીકે મારા સહિતની તમામ ફરિયાદોની નોંધણી કરી સખ્ત કાનૂની કાર્યવાહી કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાને પત્ર પાઠવી માગણી કરી છે. અમદાવાદ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ આગેવાનો દ્વારા અમિષ દેવગન વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં આસિફખાન એ.પઠાણ જોલી દ્વારા ન્યૂઝ ૧૮ના ન્યૂઝ એન્કર અમિષ દેવગન, તેના માલિક, સુધાંશુ ત્રિવેદી, મૌલાના અલી કાદરી, ડિબેટમાં હાજર અન્ય તમામ પેનલિસ્ટ વિરૂદ્ધ બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી દેશની એકતા અને અખંડિતતા તોડવાના ઈરાદે આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચીને ધાર્મિક લાગણીઓ દુભાવવાનું ગુનાહિત કરવા બદલ કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે.