અમદાવાદ, તા.ર
કોરોના સામેની લડાઈમાં સરકારે લોકડાઉન રૂપી હથિયાર ઉઠાવ્યું છે. હાલ લોકડાઉનનો ત્રીજો તબક્કો છે જેમાં કેટલીક છૂટછાટ અપાઈ છે. લોકડાઉનને પરિણામે દેશના અર્થતંત્ર ઉપર ગંભીર અસર થઈ છે. ધંધો-રોજગારની સ્થિતિ ખૂબ ખરાબ છે તો ગરીબો અને શ્રમિકોની હાલત કફોડી છે. આ જોતાં લોકડાઉનના ત્રીજા તબક્કા પછી લોકડાઉન હટાવવામાં આવે કે તેમાં મોટી છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા છે. ‘લોકડાઉન’ પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે જો તબક્કાવાર લોકડાઉન હટાવી લેવામાં આવે તો ઈદનો તહેવાર ખૂબ જ નજીક હશે. વળી કેટલાક મોટા વેપારીઓની ઈદની સિઝનની માંગને જોતાં લોકડાઉન હટી પણ જાય ત્યારે એક તરફ તો સંક્રમણનો ભય રહેલો છે જ્યારે બીજી તરફ મુસ્લિમ બિરાદરો ખરીદી કરવા ઉમટી પડે તો બજારમાં મોટી ભીડ થઈ શકે છે. જો એવું થાય અને સંક્રમણ વધે તો નિઝામુદ્દીન મરકઝની જેમ ફરી એકવાર મુસ્લિમ સમાજને બદનામ કરવાની તક મળી જશે. આ સ્થિતિને જોતાં જો ૧૭મી મે બાદ લોકડાઉન હટાવી પણ લેવાય કે તેમાં ખૂબ જ હળવાશ રાખવામાં આવે તો પણ મુસ્લિમોએ ઈદ સુધી સ્વૈચ્છિક લોકડાઉનમાં રહી બજારમાં મોટી ભીડ-ભાડ કર્યા વગર સાદગી પૂર્ણ રીતે ઈદના તહેવારની ઉજવણી કરવી જોઈએ. સાથે જ ઈદમાં ગરીબોને કપડાં આપવાને બદલે રોકડ કે રાશન કીટ રૂપે મદદ કરવી જોઈએ. એવો વિચાર અનેક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા વહેતો મૂકાયો છે. આ અંગે ‘ગુજરાત ટુડે’ દ્વારા ધારાસભ્યો, કોર્પોરેટરો, બુદ્ધિજીવીઓ, કર્મશીલો, સામાજિક-કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ પાસેથી તેમના પ્રતિભાવો જાણવા પ્રયાસ કરાયો છે જે અહીં રજૂ કરીએ છીએ.

૧. મુફતી અબ્દુલ કૈયુમ :

જમિયતે ઉલેમાએ અહમદઆબાદના નાયબ પ્રમુખ મુફતી અબ્દુલ કૈયુમે આ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન ખૂલી જાય પછી પણ સંક્રમણનો ભય તો રહેશે જ માટે ઈદને સાદગીપૂર્ણ ઉજવવા તૈયાર થઈ જવું જોઈએ અને ખરીદી માટે બજારમાં ભીડભાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખી મુસ્લિમો ઈદ ઘરમાં જ ઉજવે તે જરૂરી છે. વળી હાલની સ્થિતિ જોતાં અનેક લોકોની સ્થિતિ કફોડી છે તો ઈદમાં જે ખર્ચ કરવાનો છે તે આવા જરૂરતમંદ પાછલ કરો તો તમારી ઈદ વધારે સારી ગણાશે. આમ તેમણે લોકડાઉન ખૂલી જાય તો પણ સંક્રમણના ભયને જોતાં જરૂરતમંદોની મદદ કરી ઘરમાં જ રહી સાદગીપૂર્ણ રીતે ઈદ ઉજવવાની વાત કરી છે.

ર. ચિરાગ શેખ :

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માઈનોરિટી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન ચિરાગ શેખે તમામ મુસ્લિમોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાના લોકડાઉનમાં પણ સંક્રમણ તો ચાલુ છે તેથી લોકડાઉન ખૂલે કે ન ખૂલે મુસ્લિમોએ સાદગીપૂર્ણ ઈદ ઉજવી ઈદનો ખર્ચ બચાવી સમાજના જરૂરતમંદોની મદદ કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદીઓ પછી આ એક એવો સમય આવ્યો છે. ઈસ્લામના માનનારાઓ માટે આ એક ઈમ્તિહાનની ઘડી છે અને તેના પર આપણે ખરા ઉતરવાનું છે. માટે દીની તરબિયત રાખી ઈસ્લામના નિયમોનું પાલન કરી સાદગીપૂર્ણ ઈદ ઉજવાય તે જરૂરી છે.

૩. મુસ્તુફા શેખ (માણેકચંદવાળા) :

અમદાવાદના જાણીતા વેપારી મુસ્તુફા (માણેકચંદવાળા)એ જણાવ્યું હતું કે, લોકડાઉન આગળ વધે તે જરૂરી છે પણ જો ૧૭મી મે બાદ લોકડાઉન હટાવી લેવામાં આવે તો પણ મુસ્લિમોએ સંયમ અને ધીરજ રાખી બજારમાં જવાનું બને તો ટાળી સાદગીપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરવી જોઈએ. વળી ભીડના નામે બદનામ થવા કરવા કોઈપણ જગ્યાએ ભીડ ન કરવી જોઈએ અને એ રીતે ઘરે જ રહી સાદગીથી ઈદની ઉજવણી કરવી જોઈએ. હાલ જે લોકોને મદદની જરૂર છે તેવા લોકોની મદદ માટે પણ આગળ આવવું જોઈએ. તેમના મતે હાલની સ્થિતિ જોતાં વધી રહેલા કેસ જોતાં લોકડાઉન લંબાય તે જરૂરી છે.

૪. ઈમરાન ખેડાવાલા :

જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય અને કોરોના યોદ્ધા અંગે ઈમરાન ખેડાવાલાએ આ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે આપણે દર વર્ષે ઈદની શાનદાર ઉજવણી કરીએ જ છીએ. આ વખતે દેશ અને દુનિયાની અને ખાસ કરીને આપણા શહેરની સ્થિતિ જોતાં આપણે લોકડાઉન હટાવાય કે ન હટાવાય દરેક મુસ્લિમે ઘરમાં રહી ઈબાદત કરી જરૂરતમંદોની મદદ કરી સાદગીપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી ઈસ્લામનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. વળી ઈદના દિવસે જે ભીડ થાય તે જોતાં સંક્રમણ વધવાની શક્યતા છે. તે જોતાં પણ ઘરે રહી ઈદની ઉજવણી કરવી જોઈએ. ઈદની ખુશી ઘણી મોટી છે પણ મહામારીને જોતાં સાદગીપૂર્ણ ઉજવણી જ શ્રેષ્ઠ ગણાશે. કોરોના મહામારીની ગંભીરતાને આપણે સમજવી પડશે. સાથે જ તેમણે સમાજના સક્ષમ લોકોને ખોટા ખર્ચાથી બચી બચત કરી જરૂરતમંદોને મદદ કરવાની વાત પણ કરી હતી.