(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
વધુ રોહિંગ્યા શરણાર્થીઓને ભારતમાં પ્રવેશવા મંજૂરી આપવા સુપ્રીમકોર્ટમાં અરજી કરાઈ હતી. મોદી સરકારે અરજીનો વિરોધ કરતાં સુપ્રીમકોર્ટ સમક્ષ મક્કમતાથી કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓ બાબતે સુપ્રીમકોર્ટે હસ્તક્ષેપ કરવું જોઈએ નહીં એ કાર્ય સરકાર ઉપર છોડી દેવું જોઈએ. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે અરજદારો જેમણે રોહિંગ્યા મુસ્લિમોને પાછા નહીં મોકલવા અરજી દાખલ કરી હતી. એમણે કોર્ટ સમક્ષ જણાવ્યું કે, મોટી સંખ્યામાં રોહિંગ્યાઓ મ્યાનમારમાં હિંસાખોરીનો સામનો કરી રહ્યા છે. એ ભારતમાં શરણ લેવા ઈચ્છે છે પણ બીએસએફ એમને ભારત આવવા અટકાવે છે જેથી કોર્ટે રોહિંગ્યાઓને ભારત આવવા પરવાનગી આપવી જોઈએ. સુપ્રીમકોર્ટે આ મુદ્દે સરકારના વલણ બાબતે પૂછતા સરકારે કહ્યું કે અમે પહેલાંથી જ જે રોહિંગ્યાઓ અહીં ગેરકાયદેસર ઘૂસી આવેલ છે. એમને બહાર કાઢવાની વેતરણમાં છીએ પછી નવા રોહિંગ્યાઓને પ્રવેશ આપવાની વાત જ વિચારવાની નથી રહેતી. પ્રત્યેક દેશને સ્વાયત્તા જાળવવા પોતાની સીમાઓ ઉપર રક્ષણ કરવાનો અધિકાર અને ફરજ છે જે અમે બજાવીએ છીએ. આ સરકારનું વહીવટી કાર્ય છે. એમાં કોર્ટે હસ્તક્ષેપ કરવું જોઈએ નહીં. એથી સુપ્રીમકોર્ટે આ બાબતે કોઈ રિટ ઈસ્યુ નહીં કરવી જોઈએ. અમે અમારા દેશને શરણાર્થીઓની રાજધાની નથી બનાવવા માંગતા એ માટે આ અરજી નામંજૂર કરવી જોઈએ. ભૂષણે કહ્યું કે રોહિંગ્યાઓની સલામતી મ્યાનમારમાં નથી તેથી માનવતાનું દ્રષ્ટિકોણ રાખી અનેે સમજૂતીઓ ધ્યાનમાં રાખી રોહિંગ્યાઓને ભારત આવવા મંજૂરી આપવી જોઈએ.