(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૧
દેશની સૌપ્રથમ રેલ યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપવાના અગાઉ લેવાયેલા નિર્ણયને સાકાર કરવા સરકાર આગળ વધી રહી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે યુનિ. માટે ૩૧ હેક્ટર જમીન ફાળવવાનો આજે સરકારે નિર્ણય કર્યો હતો.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્ત્વના નિર્ણયની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં નિર્માણ થનાર આ પ્રથમ રેલ યુનિવર્સિટી માટે જે ૩૧ હેક્ટર જમીન ફાળવાઈ છે તે બજાર કિંમતના પ૦% ભાવે ફાળવાશે. આ યુનિવર્સિટી આવનાર સમયમાં રેલ નેટવર્ક સહિત રેલ તથા ટ્રાન્સપોર્ટેશન સેક્ટરના અભ્યાસક્રમો અને તાલીમ માટે મહત્ત્વની બની રહેશે. જેનો સ્થાનિક કક્ષાએ લોકોને વધુ લાભ મળશે.
તેમણે ઉમેર્યું કે, વાઘોડિયા ખાતે નિર્માણ થનાર આ રેલ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજોનું નિર્માણ કરાશે. રેલ કર્મીઓને આધુનિક તાલીમ મળે તે માટે તાલીમ સેન્ટરનું પણ નિર્માણ કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું નિર્માણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.