અમદાવાદ, તા.ર૭
દેશના ૬૯માં પ્રજાસત્તાક દિનની ઉજવણી જમીઅત ઉલમા, અહમદાબાદે (ગુજરાત) તેના ખાનપુર ખાતેના ઓફિસના પ્રાંગણમાં ખૂબ શાનોશોકતથી કરી. આ પ્રસંગે ધ્વજવંદન ‘ગુજરાત ટુડે’ (દૈનિક)ના તંત્રી, સાહિત્યકાર અઝીઝ ટંકારવીના હસ્તે કરાયું. જમીઅત કાર્યકર્તા યુનુસભાઈ પટેલે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું તથા દેશભક્તિની અહાલેક સાથે શરૂઆત કરી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન અઝીઝ ટંકારવીએ પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ સમજાવી જમીઅતે ઉલમાની દેશપ્રેમી સંસ્થાના ઉલમાએ કિરામોએ જાનની બાજી લગાવી આઝાદીની લડતમાં ભાગ લીધેલો તેની યાદ તાજી કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, આજના માહોલમાં સૌથી વધુ જો કોઈ ખતરો હોય તો તે ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રમુખપણા હેઠળ તૈયાર થયેલ ભારતના બંધારણ પર છે. જેમણે આઝાદીની લડત વેળા કોઈ ભોગ નથી આપ્યો. તેઓ આજે બંધારણ બદલવા તલપાપડ થયા છે અને એટલે જ દેશપ્રેમી સૌની, ખાસ તો જમીયત જેવી બિન રાજકીય સંસ્થાઓની જવાબદારી અનેકગણી વધી જાય છે. તેમણે દેશમાં લઘુમતીઓ, દલિતોને જે રીતે દબાવવાની કોશિશ થઈ રહી છે તેનો ઉલ્લેખ કરી ડર્યા વગર લોકશાહી ઢબે પ્રતિકાર કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં કહ્યું હતું કે, જો બંધારણ બચશે તો લોકશાહી બચશે અને લોકશાહી બચશે તો જ દેશ બચશે. એટલે ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરની ‘બંધારણ-બચાવો’ ઝુંબેશને ટેકો કરવા આહ્વાન કર્યું હતું. ઈસ્લામે આપણને દેશપ્રેમ તેમજ અન્ય સમાજ સાથે ભાઈચારાની જે શીખામણ આપી છે એ મુજબ વર્તવાની તેમણે ઉમ્મીદ વ્યક્ત કરી, આ પ્રસંગે બોલાવી તક આપી તે બદલ જમીઅત ઉલમા અહમદાબાદના સૌ હોદ્દેદારોનો તેમણે આભાર માન્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોના કાર્યો માટે, પ્રશ્નો ઉકેલવા તત્પર રહેતા ધારાસભ્યો એવા ગ્યાસુદીનભાઈ શેખ તથા ઈમરાન ખેડાવાલાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગ્યાસુદ્દીનભાઈએ કહ્યું કે, જમીઅતનો ઈતિહાસ સોનેરી છે, આફતવેળા લોકોની મદદ માટે સદા તત્પર રહે છે. ‘ગુજરાત ટુડે’ની કામગીરીને તેમણે દિલપૂર્વક બિરદાવી હતી. ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલાએ પણ ખૂબ ભાવસભર વક્તવ્યમાં જમીઅતે ઉલમાની કામગીરીને બિરદાવી હતી અને પોતે માર્ગદર્શન માટે કોઈ પ્રશ્નો રજૂ કરાશે તો ઉકેલવા માટે ખાતરી આપી હતી.
જમીઅતે ઉલમાના જનરલ સેક્રેટરી એવા પ્રો.નિસાર અહમદ અન્સારીએ દેશની તવારિખથી લઈ જમીઅતે ઉલમાની દેશહિત, સમાજહિતની ઉમદા પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો. સૌ કોઈને આવકાર, આભાર માન્યો હતો.
આ પ્રસંગે અહમદભાઈ રાણીપે દેશભક્તિ વિષે સરસ કૃતિ રજૂ કરી હતી. જમીઅતના દરેક યુનિટના જવાબદારોના પરિચયથી લઈ તેમની કામગીરીને બિરદાવાઈ હતી. મૌલાના મહેબુબુર્રેહમાન કાસમી, કાર્યક્રમની સદારત મુહમ્મદ અસજદ કાસમીએ કરી હતી. તેમના વકતવ્યમાં ‘ગુજરાત ટુડે’ને નીડરતાથી લખવા બદલ અભિનંદન આપી સૌ કોઈને વાંચવા આહ્વાન કર્યું હતું અને છેલ્લે તેમણે ભાવસભર દુઆ પણ કરી હતી. મુહમ્મદ હનીફ અરબ, તથા મૌલાના રફીક અહમદ સહિત સૌ કોઈએ કાર્યક્રમને ચારચાંદ લગાવ્યા હતા. આભારવિધિ દુઆ ગુજારવા સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
આ પ્રસંગે રજૂ થયેલા અશ્આરોની એક ઝલક :-
આંસુભી હમારે હૈ, દામન ભી હમારા હૈ
હમને લહૂ દે કે ગુલશન કો સવારા હૈ
સો જૂલ્મ કિયે તુમને પર આહ ન કી હમને
વહ ઝર્ફ તુમ્હારા હૈ, યહ ઝર્ફ હમારા હૈ
એ હિન્દ કે મુસલમાનો તુમ રાહ સે ભટકે હો
ગર રાહ પર આ જાઓ, મૈદાન તુમ્હારા હૈ
Recent Comments