(એજન્સી) તા.૧૭
પોતાના વિવાદિત શોના કારણે ચર્ચામાં રહેતા ન્યૂઝ એન્કર અમીશ દેવગણે વિશ્વ પ્રસિદ્ધ સૂફીસંત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (રહે.) અંગે અપમાનજનક ટિપ્પણી કર્યા પછી દેશભરમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમના વિરૂદ્ધ અનેક એફઆઈઆર દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે મથુરા-કાશી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં અમીશ દેવગણે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (રહે.)ને ચિશ્તી લૂટેરા ગણાવ્યા હતા. દેવગણે કહ્યું હતું કે તેમના કારણે લોકોએ ધર્મ-પરિવર્તન કર્યો હતો. આટલું જ નહીં દેવગણે આ નિવેદનનું અનેકવાર પુનરોચ્ચાર કર્યો હતો. તેમના આ કાર્યક્રમનો વીડિયો ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો હતો. ત્યાર બાદ દેશના અનેક ભાગોમાં દેવગણ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. અજમેર, મુંબઈ, નાંદેર, ઔરંગાબાદ, ભોપાલ, ભીલવાડા, બરેલી, જયપુર સહિત અનેક શહેરોમાં તેના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ થઈ હતી. જો કે વિવાદ વધતા દેવગણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે હું મારી એક ડિબેટમાં ખિલજીના બદલે ચિશ્તી બોલી ગયો હતો. હું આ ભૂલ બદલ માફી માગુ છું હું તેમની દરગાહ પરથી આશીર્વાદ મેળવી ચુકયો છું. મને આ ભૂલ બદલ ખેદ છે.