(એજન્સી) તા.૧
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે દેશભરમાં આવેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર મંગળવારે વિદ્યાર્થીઓ મોંઢે માસ્ક પહેરીને જેઈઈ-મેઈનની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દેશના વિવિધ રાજ્યોમાં આવેલા વિનાશક પૂરના કારણે એન્જિનિયરિંગ શાખામાં પ્રવેશવા માટેની આ પરીક્ષાને અગાઉ બે વાર મોકૂફ રાખવી પડી હતી. ત્યારબાદ સરકારે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વિરોધપક્ષોએ અને વિદ્યાર્થીઓએ તેનો ભારે વિરોધ કર્યો હતો. આજે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા કેન્દ્રો ઉપર આવી પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા હતા તે પહેલાં તેમનું તાપમાન માપવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીને નવું માસ્ક આપવામાં આવ્યું હતું. ઝારખંડના હતિયા શહેરની વિદ્યાર્થીની શ્રેયાંશી મિશ્રાએ કહ્યું હતું કે, અગાઉથી જ મને જાણ કરી દેવામાં આવી હતી કે અમારે જાત-તપાસ, થર્મલ ચેકિંગ અને સેનિટાઈઝેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને ત્યારબાદ જ મને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ ખાતે ટીસીએસ-આયોન ડિજિટલ ઝોનને જેઈઈ પરીક્ષાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું અને ત્યાં પણ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સનું પાલન કરાયું હતું. તાજેતરમાં જ જે શહેરમાં વિનાશક પૂરે ભારે તબાહી મચાવી હતી તે બિહારના પટણા શહેરના વિદ્યાર્થી પિયૂશે કહ્યું હતું કે, તેના શહેરમાં પાટલીપુત્ર કોલોનીમાં આવેલા ટીસીએસના સેન્ટરને પરીક્ષા કેન્દ્ર જાહેર કરાયું હતું પરંતુ તેના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા કોઈ બસ કે રિક્ષાની સુવિધા ઉપલબ્ધ નહોતી. જો કે, સમાન પરિસ્થિતિમાંથી પસાર થયેલા ઓરિસ્સાના માનસે કહ્યું હતું કે, પરીક્ષા યોજાઈ તે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘણું જ સારૂં થયું છે. ઘણા વિદ્યાર્થીઓ આતુરતાથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. જો કે, આ વખતે એકંદરે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નોંધાઈ હતી, એમ ચંદીગઢના વર્ધમાન કોમ્પ્યુટર સેન્ટર ઉપર પરીક્ષા આપવા આવી પહોંચેલી ચંદીગઢની વિદ્યાર્થિનીએ કહ્યું હતું. ચંદીગઢના કાલુચક વિસ્તારમાં આવેલી ચિનાબ કોલેજ ઓફ એજ્યુકેશનના ઉમેદવારે કહ્યું હતું કે, આજે આર્કિટેકના વિદ્યાર્થીઓની પરીક્ષા હોઈ સંખ્યા થોડી ઓછી હતી, પરંતુ પરીક્ષા યોજાઈ એ ઘણું સારૂં થયું. દરમ્યાન કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પાએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી અને તેઓની સલમાતી માટે તમામ સાવચેતીના પગલાં લેવાની ખાતરી આપી હતી.