(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
સમગ્ર દેશમાં કોરોના લોકડાઉન અનલોક-૨ના તબક્કામાં ગુરૂવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાક દરમ્યાનના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. ગુરૂવારે ૨૫ હજાર જેટલા કેસો આવ્યા હતા અને વધુ ૪૮૭ના મોત થયા હતા. તો બીજી તરફ દિલ્હીમાં રિકવરી રેટ ૭૪.૫૭%થી વધુ થઈ ગયો છે. દિલ્હી રાજ્યમાં કોરોનાના ૧ લાખ ૪ હજાર ૮૬૪ કેસ છે. જેમાંથી ૭૮,૧૯૯ દર્દી સાજા થઈ ગયા છે. ગઇકાલના ૨૫ હજાર જેટલા કેસ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે વધીને ૭ લાખ ૬૭ હજાર ૫૨ થઈ ગઈ છે. જો આ જ રીતે કેસો વધતા રહેશો તો બે જ દિવસમાં કેસોની સંખ્યા ૮ લાખ પર પહોંચી જશે. કુલ કેસોમાંથી ૨,૬૯,૭૮૯ એક્ટિવ કેસ એટલે કે સારવાર હેછળના છે. તો બીજી તરફ અત્યાર સુધી ૪,૭૬,૩૭૮ દર્દીઓ સાજા થઈ ગયા છે.જે સારવાર હેઠળના એક્ટીવ કેસ કરતાં લગભગ ડબલ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ, અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસને કારણે ૨૧,૧૨૯ લોકોના મોત થઈ ગયા છે. આઈસીએમઆર-સંસ્થએ જણાવ્યું છે કે, ૮ જુલાઈ સુધી કોરોના વાયરસ માટે કુલ ૧,૦૭,૪૦,૮૩૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨,૬૭,૦૬૧ સેમ્પલના ટેસ્ટિંગ ગઇ કાલે બુધવારે કરવામાં આવ્યા હતા. રાજધાની દિલ્હીમાં ૨૦૩૩ના કેસની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા ૧ લાખ ૪ હજાર ૮૬૪ થઈ ગઈ છે. જેમાંથી ૭૮ હજાર ૧૯૯ લોકો સાજા થઈ ગયા છે. હાલ ૨૩ હજાર ૪૫૨ એક્ટિ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪૮ લોકોના મોત થઈ ગયા છે જેને કારણે હવે મૃત્યુઆંક ૩,૨૧૩ થઈ ગયો છે. દરમ્યાન, દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં બનાવાયેલા કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે. મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા ગૃહમંત્રી તથા સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ બુધવારે જણાવ્યું કે, હવે રવિવારે આખા મધ્યપ્રદેશમાં ટોટલ લોકડાઉન રહેશે. અન્ય રાજ્યમાંથી આવી રહેલા લોકોથી રાજ્યની પરિસ્થિતિ બદલાઈ રહી છે. રાજ્યમાં આવનારા લોકોની બોર્ડર પર તપાસ કરાશે.