નવી દિલ્હી, તા. ૧૯
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના ૧૩,૫૮૬ નવા કેસો નોંધાયા છે. જેને કારણે દેશમાં કુલ ચેપગ્રસ્તોનો આંકડો વધીને ૩,૮૦,૫૩૨એ પહોંચી ગયો છે. એક જ દિવસમાં વધુ ૩૩૬ લોકોના મોત થતાં આ આંકડો પણ ૧૨,૫૭૩ થયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટામાં જણાવાયું છે. જોકે સારા સમાચાર એ છે કે કોરોનાથી રિકવરીના કેસોની સંખ્યા બે લાખને પાર કરીને હવે ૨,૦૪,૭૧૦ થઇ છે, જ્યારે હાલમાં સક્રિય કેસોની સંખ્યા ૧,૬૩,૨૪૮ થઇ છે તેમ સત્તાવાર આંકડામાં જણાવાયું છે. એક દરદી માઇગ્રેટ થયો છે. આમ આશરે ૫૩.૭૯ ટકા દરદીઓ અત્યારસુધી સાજા થયા છે. કન્ફર્મ્ડ કેસોની કુલ સંખ્યામાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સતત આઠમાં દિવસે કોરોનાના કેસોમાં ૧૦,૦૦૦થી વધુનો વધારો થયો છે. પહેલી જૂનથી ૧૯ જૂન સુધી દેશમાં કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યામાં ૧,૮૯,૯૯૭નો વધારો થયો છે. આમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરપ્રદેશ ટોચના પાંચ રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થયો છે. આઇસીએમઆર મુજબ ૧૮ જૂન સુધી એકંદરે ૬૪,૨૬,૬૨૭ નમૂનાની ચકાસણી થઇ હતી. ગુરુવારે ૧,૭૬,૯૫૯ નમૂનાની ચકાસણી થઇ હતી. જે એક દિવસમાં અત્યારસુધીમાં સૌથી વધુ ટેસ્ટિંગનો આંકડો છે. દેશમાં શુક્રવાર સવાર સુધી કુલ ૩૩૬ લોકોના મોત થયા હતા. જેમાં મહારાષ્ટ્રમાં ૧૦૦, દિલ્હીમાં ૬૫, તમિલનાડુમાં ૪૯, ગુજરાતમાં ૩૧, ઉત્તરપ્રદેશમાં ૩૦ અને કર્ણાટક-પશ્ચિમ બંગાળમાં ૧૨-૧૨ લોકોનો સમાવેશ થાય છે. બીજી બાજુ જોઇએ તો અમેરિકા, બ્રાઝીલ અને રશિયા બાદ કોરોના મહામારીની સૌથી વધુ અસર ભારતને થઇ છે તેમ જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે. આ યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં દેશમાં કોરોનાના આંકડાઓને સમાયોજિત કરી રહી છે. જોકે કોરોનાથી થયેલા મોતને મામલે ભારત આઠમાં ક્રમે છે. દેશમાં થયેલા કુલ ૧૨,૫૭૩ લોકોના મોતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ ૫,૭૫૧ સાથે પ્રથમ ક્રમે છે. દિલ્હીમાં ૧,૯૬૯ લોકોના મોત થયા છે. ગુજરાત ૧,૫૯૧ મોત સાથે ત્રીજા સ્થાને છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે ૬૨૫ અને ૫૧૮ છે. જોકે કોમોર્બિડીટીઝને કારણે ૭૦ ટકા મોત થયા છે તેમ મંત્રાલયે જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્તોનો આંકડો સૌથી વધુ ૧,૨૦,૫૦૪ છે. એ પછીના ક્રમે તમિલનાડુ (૫૨,૩૩૪), દિલ્હી (૪૯,૯૭૯) છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ૨૫,૬૦૧ થઇ છે. ઉત્તરપ્રદેશમાં ૧૫,૧૮૧ લોકો કોરોનાગ્રસ્ત થયા છે તેમ આરોગ્ય મંત્રાલયના આંકડામાં જણાવાયું છે.