ભારતમાં સંક્રમણની ભયાનક સ્થિતિ, કુલ કેસની સંખ્યા ૪૨,૨૮,૯૮૪
અને મૃત્યુઆંક ૭૧,૯૦૮ થયો, ૩૨ લાખથી વધુ લોકો સાજા થયા,
ભારતમાં દરરોજ અમેરિકા કરતાં બેથી ત્રણ ગણા કોરોના કેસમાં વધારો

(એજન્સી) નવી દિલ્હી,તા.૭
ભારત હવે બ્રાઝિલને પાછળ છોડી સૌથી વધુ કેસ મામલે બીજા નંબર પર પહોંચી ગયા બાદ હવે દેશમાં સતત બીજા દિવસે ૨૪ કલાકમાં રેકોર્ડ ૯૦,૮૦૨ નવા કેસ નોંધાયા છે અને ૧૦૧૬ લોકોના મોત થયા છે.અમેરિકામાં અત્યારે વિશ્વમાં સૌથી વધુ સંક્રમણ છે.પરંતુ ભારતમાં દરરોજ અમેરિકા કરતાં બે થી ત્રણ ગણા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૨ લાખ ૩૧ હજાર ૨૯૨ થઈ ગઈ છે. તેમાંથી ૭૧,૯૩૧ લોકોનાં મોત થઇ ચૂકયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને ૮ લાખ ૮૪ હજાર ૧૯૦ થઈ ગઈ છે અને ૩૨ લાખ ૭૪ હજાર ૫૪૮ લોકો સાજા થઇ ચૂકયા છે.
દેશમાં ત્રણ મહિનાની અંદર જ રિકવરી દર્દીઓની સંખ્યા ૧ લાખથી ૩૦ લાખ સુધી પહોંચી ગઇ છે. ૩ જૂન સુધીમાં એક લાખ લોકો રિકવર થયા હતા. ત્યારબાદ ૪ સપ્ટેમ્બર સુધીમાં ૩૦ લાખ લોકો રિકવર થયા. ૧૧ જૂન સુધીમાં રિકવર દર્દીઓની સંખ્યા ૫ લાખ થઇ, ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખ, ૧૦ ઓગસ્ટ સુધીમાં ૧૫ લાખ, ૧૯ ઓગસ્ટ સુધીમાં ૨૦ લાખ, ૨૭ ઓગસ્ટ સુધીમાં ૨૫ લાખ થઇ. મૃત્યુ દર ઘટીને ૧.૭૧ ટકા થયો છે. આ સિવાય એક્ટિવ કેસ જેમની સારવાર ચાલી રહી છે તેમનો દર પણ ઘટીને ૨૧ ટકા થઇ ગયો છે. તેની સાથે જ રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર ૭૭ ટકા થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં બે લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારબાદ બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના કિસ્સામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલમાં મૃત્યુ પછી ભારતનો નંબર છે.