(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
અનલોક-૩માં સિનેમા-જીમ વગેરે.ને ખોલવાની સંભાવના વચ્ચે અનલોક-૨ના ૨૬મા દિવસે કોરોના કેસોમાં કોઇ ઘટાડો થવાને બદલે ફરીથી ૫૦ હજારની નજીક કેસો સામે આવ્યાં છે. આજે સામવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના એટલે કે રવિવારના આંકડા જાહેર કરાયા ત્યારે કોરોનાના ૪૯,૯૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૧૪ લાકને પાર કરીને ૧૪,૬૫,૮૦૧ થઈ ગયા છે. આ જ સમય ગાળામાં વધુ ૭૦૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને ૩૩,૧૨૧ સુધી પહોંચી ગયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૩૧,૫૦૨ દર્દીઓ સાજા થયા હતા. સાજા થનાર લોકોની સંખ્યા ૯,૩૬,૦૩૮ પર પહોંચી છે. વધુ કેસોની સંખ્યામાં હવે કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર હજુ પણ સૌથી આગળ છે. એક ઓગસ્ટથી અનલોક-૩ હેઠળ વધુ છૂટછાટ મળવાની શક્યતા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૪ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૪૯,૯૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૧૪,૬૫,૮૦૧ થઈ ગયા છે. દેશભરમાં કોરોના વાયરસના ૪,૯૬,૨૧૪ સક્રિય કેસ છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૩,૭૫,૭૯૯ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૩,૬૫૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૦,૭૧૬ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩૫૭૧ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧,૩૧,૨૧૯ કેસ નોંધાયા છે જ્યારે ૩૮૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ સૌથી વધુ કેસોની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્રપ્રદેશમાં એક જ દિવસમાં ૬૨૯૮ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૪૧ લોકો મોતને ભેટ્યા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૯૬૧૪૧ કેસ નોંધાયા છે જ્યારે ૧૮૭૮ લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ ૬૬૯૮૮ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૫૮૭૧૮ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ગુજરાત આઠમાં ક્રમ પર છે જ્યાં ૫૫૮૨૪ લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી ૨૩૨૬ લોકો મોતને ભેટી ચૂક્યા છે.