ભારતમાં કોરોના વાયરસે તમામ રેકોર્ડ તોડ્યા, કેસનો કુલ આંકડો ૩૬ લાખને પાર

દિલ્હીમાં ૨૪ કલાકમાં ૧૯૫૪ કેસ સામે આવ્યા, ૪૪૦૦થી વધુનાં મોત, મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ૨૪ હજારને પાર, બીજા નંબરે તમિલનાડુમાં સાત હજારથી વધુનાં મોત

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ભારતમાં કોરોના વાયરસના વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૧૫ દિવસમાં દેશમાં કોરોનાના ૧૫ લાખથી વધુ કેસો સામે આવ્યા છે. ભારતમાં કોરોના કેસોની સંખ્યા ૩૬ લાખને પાર કરી ગઈ છે. ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોના કેસોનો ગઢ બની ગયો છે. ઓગસ્ટ મહિના અંત સુધીમાં કોરોના કેસોએ ભારતમાં બધા જ રેકોર્ડ તોડી દીધા છે. ચીનથી આવેલા કોવિડ-૧૯ વાયરસે ભારતની અર્થવ્યવસ્થા અને ભારતનાં લોકોને હચમચાવી મુક્યા છે. કોરોના આવ્યાના છ મહિના બાદ પણ કોરોના કેસો ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યા છે, ભારતમાં મહિના અંત સુધીમાં ૭૫-૮૦ હજાર એક દિવસનાં કેસો નોંધાઈ રહ્યા.દેશનાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતી અલગ છે કેટલાંક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવી લીધો છે તો મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રા પ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશમાં કોરોનાની સ્થિતી હજીપણ કાબૂમાં આવી નથી. છેલ્લા ૭ દિવસમાં સરેરાશ ૭૦,૮૬૭ કેસ નોંધાયા છે. સાત દિવસના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ આ સંખ્યા નોંધાઈ છે, જે જુલાઈના અંતમાં યુ.એસ.ના સૌથી ખરાબ સ્પાઇક્સ કરતાં વધારે છે. કોઈપણ એક રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શનિવારે સૌથી વધુ ૧૬,૮૬૭ કેસ છે. જે ૨૬ ઓગસ્ટના રોજ નોંધાયેલા રાજ્યના અગાઉના ૧૪,૮૮૮ કરતા વધારે છે.મહારાષ્ટ્રમાં કોરોના કેસ ૭.૬૪ લાખને પાર પહોચી ચૂક્યા છે જ્યારે ૨૪ હજારથી વધુ લોકોનાં કોરોનાથી મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૭૮૭૬૦ કેસ નોંધાતા કુલ આંકડો ૩૫૮૮૦૯૮ સુધી પહોંચી ગયો છે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪૯૩૫ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૭૩૬૩૪૨ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૪૧૨૯ સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં કોરોના વાયરસના ૭૭૧૫૭૧ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં સ્થિતિ ચિંતાજનક છે. આ રાજયો ઉપરાંત તામિલનાડુ અને દિલ્હીનો પોઝિટિવિટી રેટ સૌથી વધુ છે. આંધ્રપ્રદેશ ૧૦,૫૪૮, કર્ણાટક ૮,૩૨૪, તમિલનાડુ ૬,૩૫૨ અને ઉત્તર પ્રદેશ ૫,૬૮૪માં સૌથી વધુ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં, ૨૯ જુલાઈ પછી પહેલીવાર, સકારાત્મક કેસો ૬,૦૦૦ને વટાવી ગયા. તાજેતરના સમયમાં, વધતા જતા કેસો સાથે, સક્રિય કેસના પૂલમાં તેજી જોવા મળી છે. છેલ્લા ચાર દિવસમાં લગભગ ૪૯,૦૦૦ સક્રિય કેસ નોંધાયા છે, જે કુલ ૭,૬૬,૨૨૬ છે.સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.