(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને હવે આ આંકડો ૧૩૭ સુધી પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં વધુ એક શખ્સે કોરોના વાયરસના લીધે છેલ્લા શ્વાસ લીધા. આ ભારતમાં કોરોના વાયરસનો ત્રીજું મોત અને મુંબઇમાં પહેલું મોત છે. આની પહેલાં દિલ્હી અને કર્ણાટકમાં પણ બે કોરોનાના દર્દીઓના મોત થઇ ચૂકયા છે. કહેવાય છે કે ૬૪ વર્ષના વૃદ્ધ દુબઇથી આવ્યા હતા અને મુંબઇની કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને હિન્દુજાથી કસ્તૂરબા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. મૃતકના પત્ની અને દીકરાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ છે. બીજી બાજુ નોઇડામાં બે નવા કોરોના પોઝિટિવ કેસ મળવાથી ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને ૧૩૭ થઇ ગયો છે. વિશ્વમાં કોરોના વાયરસને કારણે કુલ ૭૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ત્યારે ભારત સરકારે અફઘાનિસ્તાન, ફિલિપીન્સ, મલેશિયામાંથી આવતા લોકોનો પ્રવેશ અટકાવ્યો છે. બીજી તરફ બ્રિટનમાં રહેતા ભારતીયોએ સ્વદેશ પરત ફરવા માટે દોડધામ શરૂ કરી છે કારણ કે ૩૧મી માર્ચ પછી તેઓને સ્વદેશ પરત ફરવામાં મુશ્કેલી પડશે. ગૌતમબુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર અનુરાગ ભાર્ગવે આજે કહ્યું કે નોઇડાના સેકટર ૭૮ અને ૧૦૦મા બે કેસની પુષ્ટિ થઇ છે. ભાર્ગવે કહ્યું કે બે લોકોમાં કોરોનાની પુષ્ટિ થઇ છે. તેમણે કહ્યું કે નોઇડાના સેકટર ૭૮ અને સેકટર ૧૦૦મા બે લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ બંને લોકો ફ્રાન્સથી પાછા આવ્યા હતા. બંને લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા ભારતીયો સહિત યુરોપિયન દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સિવાય યુકે અને તુર્કીથી આવનારા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે જેમાં ભારતીયો પણ સામેલ છે. તો આજે ફરીથી ભારત સરકારે મંગળવારના અફઘાનિસ્તાન, ફિલિપાઇન્સ અને મલેશિયાથી આવતા પ્રવાસીઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાયરસને પગલે વિદેશમાંથી આવતા પેસેન્જર્સ માટે આ પ્રતિબંધ લાગુ કરાયો છે. સરકારે આ માટે એડિશનલ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. અગાઉ કેન્દ્ર સરકારે ૧૧ માર્ચ તેમજ ૧૬ માર્ચના ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. દિલ્હીમાં રાજઘાટ અને લાલકિલ્લાને પ્રવાસીઓ માટે ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાઈરસના પગલે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે.