(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ભારતમાં કોરોના વાયરસ સતત પ્રકોપ વર્તાવી રહ્યો છે. કેસોની સંખ્યા એક લાખને પાર થયા બાદ સંક્રમિતોના આંકડાઓ નિરંતર વધી રહ્યા છે. અત્યાર સુધી આંકડો એક લાખ બાર હજારને પાર થઈ ગયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૬૦૯ નવા કેસ નોંધાયા અને ૧૩૨ દર્દીઓના મોત થયા છે. આ આંકડાઓને પ્રતિ કલાકની રીતે જોઇએ તો દર કલાકે ૨૩૩ કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા અને પ્રતિ કલાકે પાંચથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. આસામ સરકારે ક્વોરન્ટાઈનમાં રહેલાં વ્યકિતી દીઠ ૧૩ હજાર આપવા જાહેરાત કરી છે. જ્યારે રાજ્યના અંદર હોમ આઈસોેલેશનમાં રહેલા લોકોનો પણ ખર્ચ ઉઠાવશે. દેશમાં વધી રહેલા કેસોમાં મહારાષ્ટ્રનો ફાળો સૌથી વધારે હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૪૧,૬૪૨ અને મૃત્યુઆંક ૧૩૯૦ પર પહોંચી ગયો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો ૧૩ હજારની પાર પહોંચ્યો છે. ૩ દિવસ પહેલા જ આ સંખ્યા એક લાખને પાર પહોંચી હતી. આ સપ્તાહ દર્દીઓની સંખ્યા પહેલા કરતા વધી ગઈ છે. હવે દર ૨ દિવસે ૧૦ હજારથી વધુ સંક્રમિત વધી રહ્યા છે, અને રોજ દોઢ હજારથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. ગઇ કાલે બુધવારે પણ પાંચ હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં હતા. હાલ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૧૨,૩૫૯એ પહોંચી છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ૬૩,૬૨૪ છે. કોરોના વાઇરસના કારણે દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા ૩,૪૩૫ છે. કર્ણાટકમાં આજે બપોર ૧૨ વાગ્યા સુધી કોરોના વાયરસના ૧૧૬ નવા કેસ બહાર આવ્યાં હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને ૧૫૬૮ થઈ ગઈ છે રાજસ્થાનમાં આજે ૧૩૧ નવા કેસ નોંધાયા હતા. આ સિવાય ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૧૮ લોકોને રજા આપવામાં આવી હતી. આ સાથે રાજસ્થાનમાં આ આંકડો ૬૧૪૬ પર પહોંચી ગયો છે. જેમાં મૃત્યુઆંક ૧૫૦ છે.
મહારાષ્ટ્રમાં સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર હવે ક્વૉરન્ટીન પર ભાર આપી રહી છે. છેલ્લા ૯ દવસમાં રાજ્યમાં હોમ ક્વૉરન્ટીનના કેસમાં ૫૮ ટકાનો વધારો થયો છે. ૧૦ મેના રોજ રાજ્યભરમાં હોમ ક્વૉરેન્ટીનમાં ૨,૪૪,૩૨૭ અને ઈન્સ્ટિટ્યૂટ ક્વૉરન્ટીનમાં ૧૪,૪૬૫ લોકો હતા. હવે રાજ્યભરમાં કુલ ૪ લાખ લોકો ક્વૉરન્ટીન છે.

સામાન્ય લક્ષણો ધરાવનાર દર્દી કોરોના ફેલાવતો નથી

કોરોના વાયરસને લઈને એક મોટા સમચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી અપાયેલી માહિતી મુજબ જે દર્દીઓમાં કોરોનાના સાધારણ લક્ષણો હોય અથવા જેને તાવ નથી આવતો તે સંક્રમણ ફેલાવી શકતા નથી. આવા દર્દીઓના લક્ષણો શરૂ થયાના ૧૦ દિવસ બાદ ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો તેઓને સતત ૩ દિવસ સુધી તાવ ના આવતો હોય. તેઓને ડિસ્ચાર્જ કરાયા પહેલા ટેસ્ટ કરવાની પણ કોઈ જરૂર નથી. પરંતુ આવા લોકોને ડિસ્ચાર્જ થયા પછી ૭ દિવસ સુધી તેઓએ પોતાના ઘર પર જ આઈસોલેટ રહેવું પડે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ ભારતમાં ૬૯ ટકા કોરોના મરીજ લક્ષણો વગરના છે.