(એજન્સી) નવી દિલ્હી,તા.૮
દેશમાં કોરોના કેસોએ વરસાદ ઋતુની જેમ માઝા મૂકી હોય એ રીતે દિન પ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે દેશમાં કોરોનાના ૧૦ હજારથી વધૂ કેસો નોધાયા છે. એક તરફ આજે અનલોક-૧ હેઠળ શોપિંગ મોલ,હોટેલ-રેસ્ટોરન્ટ,ધાર્મિક સ્થળો સહિત લગભગ બધુ ખુલી ગયું છે ત્યારે કેસોમાં વધારાએ કેન્દ્ર સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. જોકે એક દિવસ પહેલાં જ એઈમ્સના ડિરેક્ટરે કેસોમાં વધારાને લઈ ચેતવણી આપી હતી. ત્યારબાદ આજે સતત બીજા દિવસે ૧૦ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. આજે સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન સમગ્ર દેશમાં ૧૦,૭૮૬ જેટલા કેસો બહાર આવ્યાં હતો અને રાબેતા મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ બહાર આવ્યાં હતા. આની સાથે જ ૮૫,૯૭૫ કોરોના કેસો સાથે મહારાષ્ટ્રે ચીનને પાછળ છોડ્‌યુ છે.છેલ્લાં ૫ દિવસમાં રોજેરોજ ૯ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે જે એક રીતે ચિંતાજનક કહી શકાય. દેશમાં રિક્વરી રેટ ૪૮.૩૬ ટકા, મૃત્યુદર ૨.૮ ટકા છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૫૬,૬૧૧ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૦,૭૮૭ નવા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, બીજી તરફ ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૩૫ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૦૨ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૨૪૦૯૫ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૭૧૩૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧,૨૫,૩૮૧ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૫,૯૭૫ કેસ નોંધાયા છે જ્યારે ૩,૦૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૩૧,૬૬૭ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૨૬૯ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૭,૬૫૪ કેસ નોંધાયા છે જ્યારે ૭૬૧લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૨૦,૦૭૦ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧,૨૪૯ લોકોના મોત થયા છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પાંચમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૮૫ હજાર ૯૭૫ થઈ ગઈ છે, આ મામલામાં મહારાષ્ટ્ર ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે ત્યાં ૮૩ હજાર ૪૩ કેસ આવ્યા છે. તમિલનાડુ દર્દીઓની સંખ્યામાં બીજા નંબરે છે. અહીંયા ૩૧ હજારથી વધારે લોકો પોઝિટિવ મળ્યા છે. રવિવારે રેકોર્ડ ૧૫૧૫ દર્દી મળ્યા હતા.