૨૪ કલાકમાં ૪૫,૮૮૨ કોરોના કેસ નોંધાયા, ૫૮૪ લોકોનાં મોત, કુલ કોરોના કેસોની સંખ્યા ૯૦,૨૭,૩૦૪ થઈ, એક્ટિવ કેસો ૪,૪૪,૮૦૦ થયા, કુલ ૮૪,૫૦,૧૧૦ લોકો સાજા થયા
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
ભારતમાં કોરોના કેસની સંખ્યા ૯૦ લાખને પાર કરી ગઈ છે આની સાથે જ કોરોના કેસોએ કેટલાક રાજ્યોમાં ફરી ઉથલો માર્યો છે. કોરોના વાયરસના વધતાં કેસોને જોતા રાજ્યોમાં ફરી લોકડાઉન લગાવવાની નોબત આવી છે. દિવાળી દરમ્યાન લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી હતી જેના ભાગરૂપે કોરોના કેસોમાં વધારો થયો હતો. દિલ્હી અને ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા અચાનક વધવા લાગી હતી. દિલ્હીમાં કોરોના કેસો એક દિવસમાં આઠ હજારની નજીક પહોંચી ગયા હતા. કોરોનાને લીધે રાજધાનીમાં એક દિવસમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ ૯૦,૨૭,૩૦૪ પર પહોંચી ગયા છે જેમાંથી ૪,૪૪,૮૦૦ લાખ એક્ટિવ કેસ છે અને ૮૪,૫૦,૧૧૦ લોકો સાજા છે. અત્યાર સુધી ૧,૩૨,૩૯૪ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ભારત વિશ્વમાં બીજો દેશ છે, જ્યાં કોરોનાના કેસ ૯૦ લાખથી વધુ છે, તેનાથી વધુ કેસ અમેરિકામાં છે. ભારતમાં ૭ ઓગસ્ટે કોરોનાના કેસની સંખ્યા ૨૦ લાખને પાર થઈ ગઈ હતી. ૫ સપ્ટેમ્બરે કેસ ૪૦ લાખને પાર થઈ ગયા છે, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખનો આંકડો પાર થયો હતો. ૧૧ ઓક્ટોબરે ભારતમાં ૭૦ લાખ કેસ હતા અને ૨૮ ઓક્ટોબરે કેસની સંખ્યા ૮૦ લાખને પાર થઈ ગઈ હતી. ભારતમાં કેસોની સંખ્યા ૮૦ લાખથી ૯૦ લાખ પહોચવામાં આશરે ૨૨થી ૨૩ દિવસનો સમય લાગ્યો હતો. દેશમાં અમદાવાદ અને દિલ્હીમાં કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના ૫ હજારથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં ફરી ૨૦૦થી વધુ રોજના કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા વધતાં બે દિવસનો સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યો છે. આની સાથે ગુજરાતના અન્ય શહેરો સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
Recent Comments