(એજન્સી નવી દિલ્હી, તા.૧૯
સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યોમાં કોવિડ-૧૯ તપાસના અલગ-અલગ ચાર્જની બાબત ગંભીરતાથી લીધી છે અને કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોના વાયરસ બીમારીના ટેસ્ટના ઉચ્ચત્તમ દર નક્કી કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરમાં કોરોના વાયરસ ટેસ્ટની કિંમતો એકસમાન હોવી જોઈએ, કયાંક ૨૨૦ રૂપિયામાં ટેસ્ટ થઈ રહ્યો છે તો કયાંક ૪૫૦૦ રૂપિયામાં, એવું હોવું જોઈએ નહીં. જસ્ટિસ અશોક ભૂષણ, એસ.કે.કૌલ અને એમ.આર.શાહની બેન્ચે એ તરફ ઇશારો કર્યો કે આ મામલે કોર્ટે કોઈ કિંમત નક્કી કરશે નહીં. કિંમત નક્કી કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિનંતી કરી કે આ કામ રાજ્યોને પોતાના હિસાબ કરવા દેવામાં આવે. કોરોના ટેસ્ટના દર નક્કી કરવાનું કામ રાજ્યો પર છોડવું જ સારૂં રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટની બેન્ચ તુષાર મહેતાની આ વિનંતી ફગાવી દીધી અને કહ્યું તમે ઉચ્ચત્તમ દર નક્કી કરો અને બાકી કામ રાજ્ય કરી લેશે. અહીંયા નોંધવું રહ્યું કે કોરોના બીમારીના વધી રહેલા કેસોની વચ્ચે વિવિધ રાજ્યોએ પોતાને ત્યાં કોરોના ટેસ્ટની કિંમતોમાં કાપ કર્યો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કોરોના વાયરસની તપાસ માટે નિર્ધારિત દરોમાં ઘટાડો કરીને ૨૪૦૦ રૂપિયા કરી દીધો છે. પહેલા ટેસ્ટ માટે ૪૫૦૦ રૂપિયા આપવા પડતા હતા. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, આજે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ બીમારીના દરો નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે, તે અંગે કેટલાક દિવસમાં નિર્ણય લેવો તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
દેશમાં કોરોના ટેસ્ટની કિંમત સમાન હોવી જોઈએ : સુપ્રીમ

Recent Comments