(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ભારતમાં કોરોના કેસોનો ધોરમાર વરસાદ પડી રહ્યો હોય એવુ લાગી રહ્યું છે. દેશમાં વરસાદની સિઝનની જેમ કોરોના સિઝન પણ ચાલી રહી છે. દેેશની અર્થવ્યવસ્થાને દાવ પર મુકીને કરેલાં ચાર -ચાર લોકડાઉન અને બે અનલોક બાદ પણ કોરોનાની પરિસ્થિતી થાળે નથી આવી રહી.કોરોના કેસોમાં સતત વધારો થઈ જ રહ્યો છે. કોરોનાનાં કુલ કેસો ૧૦ લાખની આસપાસ પહોચવાની તૈયારીમાં છે. મોતનાં આકડાઓ પણ હવે ૫૫૦ને પાર પહોચવા લાગ્યા છે જેને કારણે કોરોના વાયરસ દેશવાસીઓ ભયભીત છે. વિશ્વ અને ભારતમાં કોરોનાની વેક્સિન બનાવવાના ઘણા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હજી સુધી કોઈને સફળતા મળી નથી. કોરોનાની વેક્સિન ના મળે ત્યાં સુધી કોરોના કેસો ભારતમાં ક્યાં જઈ અટકશે એ ભવિષ્યનાં ગર્ભમાં છેે. દેશમાં અનલોક-૨ ચાલી રહ્યુ છે અને લોકોને થોડાક અંશે છૂટ આપવામાં આવી છે પરંતુ આ છૂટછાટને લીધેે કોરોના વધુ વકર્યો છે. જેના લીધે રાજ્યોએ શહેરોમાં ફરી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. અનલોક-૨માં અપાયેલી છૂટછાટો ભારે પડી રહી હોય તેમ મંગળવારે અત્યાસુધીમાં સૌથી વધુ ૨૯ હજારથી વધુ કેસો એક જ દિવસમાં સામે આવતાં એક નવો રેકોર્ડ નોંધાયો હતો. આ સમયગાળામાં વધુ ૫૮૨ના મોત થયા હતા. બુધવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના કેસોની માહિતી જાહેર થતાં ૨૯,૯૧૭ જેટલા કેસો સામે આવ્યાં હતા.આ સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૯,૩૬,૧૮૧ પર પહોંચી હતી. આ સમયગાળામાં વધુ ૨૦,૯૭૬ દર્દીઓ સાજા થયા હતા. અને સારવાર હેછળ હોય તેવા સક્રિય કેસોની સંખ્યા ૩,૧૯,૮૪૦ થઇ હતી. કુલ મૃત્યુઆંક વધીને ૨૪,૩૦૯ થયો હતો. દરમ્યાનમાં, કેસો વધતાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને બિહાર જેવા રાજ્યોએ લોકાડઉનની જાહેરાત કરી છે. જ્યારે, રિકવરી રેટ સુધરીને ૬૩%એ પહોંચ્યો હોવાનો દાવો આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પહેલા ૧૩ જુલાઈએ સૌથી વધુ ૨૮ હજાર ૧૭૮ કેસ સામે આવ્યા હતા. તો આ તરફ દિલ્હીમાં સ્થિતિ સારી થઈ રહી છે. એક મહિનામાં દિલ્હીમાં સાજા થતા દર્દીઓ ૪૪ ટકા વધી ગયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૫૮૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સાથે જ મૃત્યુઆંક વધીને ૨૪,૩૦૯ પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી ૫,૯૨,૦૩૧ દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. મંગળવારે મહારાષ્ટ્રમાં ૬૭૪૧, તામિલનાડુમાં ૪૫૨૬, દિલ્હીમાં ૧૬૦૬, કર્ણાટકમાં ૨૪૯૬,,યુપીમાં ૧૫૯૪ અને તેલંગાણામાં ૧૫૨૪ કેસો નોંધાયા હતા.