(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
કોરોના વાયરસ મામલે સીરો સર્વે રિપોર્ટ સામે આવ્યા બાદ નીતિ આયોગે દેશમાં મહામારી સામેની લડાઈ હજુ અનેક મહીના સુધી ચાલશે તેની પૃષ્ટિ કરી છે. આયોગના સદસ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે, આ રિપોર્ટમાં દેશમાં લોકડાઉન સફળ રહ્યું તેની પૃષ્ટિ કરવામાં આવી છે અને સામૂદાયિક ફેલાવો રોકવામાં સફળતા મળી હોવાનું જણાવાયું છે. આ સર્વેમાં એપ્રિલ મહીના સુધીની સ્થિતિ અંગે જાણકારી અપાઈ છે. ડો. પોલે જણાવ્યું કે, કોરોના વાયરસ અંગે આ વિશ્વનો સૌથી મોટો સીરો સર્વે છે અને તેનાથી એક ટકા કરતા પણ ઓછી વસ્તીમાં વાયરસની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટ ૩૦મી એપ્રિલ સુધીની સ્થિતિ દર્શાવે છે. મે મહીનાના ત્રીજા સપ્તાહમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો એન્ટીબોડી બનવામાં ૧૫ દિવસ લાગે છે. આમ એપ્રિલ મહીના સુધી આટલા મોટા દેશમાં સંક્રમણ એક ટકાની વસ્તીથી પણ ઓછામાં ફેલાયું તે એક મોટી સફળતા છે. તેમણે અન્ય દેશોની તુલનાએ દેશમાં મૃત્યુ દર પણ ઓછો હોવાની માહિતી આપી હતી. સાથે જ હજુ આપણે શરૂઆતના તબક્કામાં જ છીએ અને દેશની વસ્તી હજુ પણ અતિ સંવેદનશીલ છે તેમ જણાવ્યું હતું. વાયરસ બાકીની વસ્તીને પણ જકડી શકે છે માટે વડીલો, ગર્ભવતી મહિલાઓ અને પહેલાથી જ બીમાર હોય તેવા લોકોને બચાવીને રાખવા જરૂરી છે. આ લડાઈ હજુ આગળ મહીનાઓ સુધી ચાલશે. અભ્યાસ પ્રમાણે હજુ આપણે બચેલા છીએ પણ અતિ સંવેદનશીલ સ્ટેજ પર છીએ અને વાયરસથી સંક્રમિત થઈ શકીએ તેમ છીએ. આ કારણે સામાજીક દૂરી, માસ્ક અને સતત હાથ ધોવા વગેરે આદતો જાળવી રાખવી પડશે. આ સાથે જ સમયસર તપાસ અને સારવાર, કન્ટેનમેન્ટ પર કામ વગેરે સરકારની જવાબદારીઓ પણ નક્કી થઈ ગઈ છે.