(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
ભારતમાં કોરોના કેસો હવે ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે, કોરોના હવે દેશમાં પીક પર પહોંચી રહ્યો છે. પરંતુ હજી પણ સરકાર આ વાતને માનવા તૈયાર નથી, રોજના ૧૫-૧૬ હજારથી વધુ કેસો રોજેરોજ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક બાદ શુક્રવારે દેશમાં કોરોનાના ૧૭ હજાર કરતાં વધુ કેસો નોંધાયા અને ૪૦૭ નવા મોત સાથે મોતનો આંકડો ૧૫ હજારને પાર પહોંચી ગયો છે. જો કે, આ બધુ હોવા છતાં, કેન્દ્ર સરકારે એ કહેવાનું ચાલુ રાખ્યું છે કે, ભારતમાં કોરોનાનો ખતરનાક તબક્કે કોમ્યુનિટી (સમુદાય) ટ્રાન્સમિશન હજી શરૂ થયું નથી.
આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે, દેશમાં આજે શુક્રવારે સવારે ૮ વાગે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક સમાન ૧૭,૨૯૬ નવા કેસ સામે આવ્યા હતા અને ૪૦૭ લોકોનાં મોત થઈ ગયા છે. કેસનો કુલ આંકડો હવે ૪.૯૦ લાખ પર પહોંચી ગયો છે અને જે રીતે રોજ ૧૫ હજારની આસપાસ કેસો આવી રહ્યા છે તે જોતાં આવતીકાલે કોરોનાના કેસો પાંચ લાખને પાર થઈ જશે. આ સાથે જ છેલ્લાં પાંચ દિવસમાં અંદાજે ૮૦ હજાર દર્દી વધ્યા જેમાંથી ૫૦ હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી નોંધાયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૯૦,૪૦૧ થઈ ગઈ છે, જ્યારે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૧૫,૩૦૧ લોકોનાં મોત થયા છે જેમાંથી ૨,૮૫,૬૩૭ લોકો સાજા થઈ ગયા છે જ્યારે ૧,૮૯,૪૬૩ એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં ૭૭,૭૬,૨૨૮ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. ૨૪ કલાકમાં ૨,૧૫,૪૪૬ લોકોના ટેસ્ટ કરાયા હતા જે સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે ૪૮૪૧ કેસ સામે આવ્યા હતા આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧,૪૭,૭૪૧ પર પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ૭૦ હજારને પાર થઈ ગઈ છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪ લાખ ૯૧ હજાર ૧૭૦ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં ૮૦ હજાર દર્દી વધ્યા હતા જેમાંથી માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ૫૦,૭૦૧ પોઝિટિવ મળ્યા હતા. આ સંખ્યા ૭૦% વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૯,૫૩૬, દિલ્હીમાં ૧૭,૩૦૪ અને તમિલનાડુમાં ૧૪,૧૩૧ સંક્રમિત મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાથી ૬૯૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, ડેથ રેટ ૪.૬૯% છે. મુંબઈમાં ૧૧૭ ફાયરકર્મી સંક્રમિત થયા છે. પૂણેના પિંપરી ચિંચવાડમાં મહિનાભરમાં કોરોનાના ૭૦૦% કેસ વધી ગયા છે.
મુંબઈમાં ગુરૂવારે કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ૪૦૦૦ને પાર કરીને ૪૦૬૨ પર પહોંચ્યો છે. શહેરમાં વાયરસના કારણે થતાં મોતની ટકાવારી સૌથી ઊંચી ૫.૭૩% છે જ્યારે મહારાષ્ટ્રની ૪.૬૯% છે. દિલ્હી પછી મુંબઈ બીજુ શહેર બન્યું છે જેણે દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૭૦ હજારને પાર કરી લીધો છે. અહીં કોરોનાના કુલ કેસનો આંકડો ૭૦,૮૭૮ થયો છે.