(એજન્સી) નવી દિલ્હી , તા.૨૪
ભારતમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. દરરોજ કોરોનાનાં દર્દીઓની સંખ્યા સરેરાશ ૧૫ હજાર વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં રેકૉર્ડતોડ ૧૫ હજાર ૯૪૮ નવા કેસ સામે આવી રહ્યા છે અને એક દિવસમાં ૪૬૫ લોકોનાં મોત થયા છે. દેશમાં કોવિડ-૧૯ દર્દીઓની સંખ્યા ૪,૫૦,૦૦૦ ને વટાવી ગઈ હતી. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪,૫૬,૧૮૩ છે. અત્યાર સુધીમાં ૨,૫૮,૬૮૫ લોકો આ વાયરસથી ઠીક થયા છે. વળી, કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં ૧૪,૪૭૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એકમાત્ર રાહત એ છે કે રિકવરી દર પણ વધી રહ્યો છે. કોરોનામાં રિકવરી દર ૫૬.૭૦ ટકા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રેકૉર્ડબ્રેક ૨.૧૫ લાખ ટેસ્ટ દેશમાં કરવામાં આવ્યા છે. ભારતમાં હવે કોરોના વાયરસનાં ટેસ્ટિંગ માટે કુલ ૧ હજાર લેબ થઈ ગઈ છે. દેશમાં હવે ૭૩૦ સરકારી અને ૨૭૦ પ્રાઇવેટ લેબ છે. આઇસીએમઆર પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૧૫,૧૯૫ ટેસ્ટ કરવામાં આવ્યા. આમાં આરટી-પીસીઆર, એન્ટીજન ટેસ્ટ તમામ પ્રકારનાં ટેસ્ટ સામેલ છે.
દેશમાં ૫૦૦થી વધુ મોત વાળા રાજ્યમાં ગુજરાતમાં મોતની ટકાવારી સૌથી વધારે ૬.૦૨% છે. મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા ગુજરાત કરતા છ ગણી છે, પરંતુ તે બીજા નંબરે છે. આ મોતની ટકાવારી ૪.૭૦% છે. ૪.૨૮%ના મૃત્યુદર સાથે મધ્યપ્રદેશ ત્રીજા નંબરે છે.
દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે ૩૯૪૭ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજધાનીમાં અત્યાર સુધી ૬૬ હજારથી વધારે સંક્રમિત મળ્યા છે. મહારાષ્ટ્રમાં ૩,૨૧૪ નવા દર્દી સામે આવ્યા છે, અહીંયા ૨૪૮ લોકોના મોત થયા છે.
આ પહેલા ૨૩ જૂનનાં જ્યારે ૧,૮૭,૨૨૩ લોકોનાં કોરોના ટેસ્ટ થયા હતા, ત્યારે ૧૪૯૩૩ નવા કેસ સામે આવ્યા હતા. ૨૧ જૂનનાં દેશભરમાં ૧,૯૦,૭૩૦ લોકોનું ટેસ્ટિંગ થયું, ત્યારબાદ ૧૫ હજારથી વધારે નવા કેસ આવ્યા. ૨૦ જૂનનાં કુલ ૧ લાખ ૮૯ હજાર ૮૬૯ લોકોનું ટેસ્ટિંગ થયું હતુ. આઇસીએમઆર પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં ૭૩ લાખ, ૫૨ હજાર, ૯૧૧ ટેસ્ટિંગ થયા છે.