(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૨ કલાકમાં દેશમાં કોરોના વાઈરસના કારણે ૬૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૬૩ કેસો નવા ઉમેરાયા છે. ગુરુવારે રાજસ્થાનમાં ૨૬, પશ્વિમ બંગાળમાં ૩૩ અને ઓરિસ્સામાં ૩ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેન્દ્ર સરકારે હરિયાણામાં દક્ષિણ કોરિયન કંપનીની બનાવાયેલી રેપિડ કીટથી ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓની સારવાર માટે પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવેલી પ્લાઝ્‌મા થેરેપીનો પહેલો ટ્રાયલ સફળ રહ્યો છે. આ ટ્રાયલ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ દર્દી પર કરવામાં આવ્યો છે. બીજો ટ્રાયલ ટૂંક સમયમાં નાયર હોસ્પિટલમાં કરવામાં આવશે. તો બીજી બાજુ મધ્યપ્રદેશના ભોપાલના એઈમ્સમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા વાળી દવાનો કોરોના સંક્રમિતો પર ટ્રાયલ શરૂ કરાયો છે. ત્રણ દર્દીઓને દવાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ અંગે સ્વાસ્થ મંત્રાલયના આંકડા પ્રમણે, છેલ્લા ૨૪ કલાકના આંકડા ઉમેરીને દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૩૪,૧૪૯ પર પહોંચી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને ૧૧ર૦ પહોંચી છે. આ ઉપરાંત ૮૭૮૪ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે ૨૪,૨૪૨ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. કોરોના વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. જ્યા ૪૩૨ લોકો મોતને ભેટ્યા છે. આ સાથે અહીં મહામારીથી પીડિત લોકોની સંખ્યા ૯,૯૧૫ થઈ ગઈ છે. એકલા મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬૬૦૦ને પાર થઈ ગઈ છે. બીજા નંબરે ગુજરાત આવેલ છે, જ્યાં કેસોની સંખ્યા ૪પ૦૦ની નજીક જઈ રહી છે. મોતનો આંકડો ર૧૪ થઈ ગયો છે, જ્યારે ર૪ કલાકમાં ગુજરાતના નવા રપ૦ સંક્રમિત કેસો નોંધાયા છે. જો કે, આની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં કોવિડ-૧૯નો રિકવરી રેટનો સકારાત્મક વલણ રહ્યો છે. છેલ્લા ૧૪ દિવસમાં સુધારો આવતા ર૪.૧૯ ટકા પર રહ્યો છે. જ્યારે કેસો બમણા થવાનો દર પણ ૧૧ દિવસ થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે, બે સપ્તાહ પહેલાં રિકવરી રેટ ૧૩.૦૬ ટકા હતો, જે વધીને ર૪.૧૯ ટકા થઈ ગયો છે અને સાથે ફર્ટીલિટી રેટ ભારતનો ૩.ર ટકા છે. ૧૬ રાજ્યો રાષ્ટ્રીય દરે સારો દેખાવ કરી રહ્યા છે.