(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
સમગ્ર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશભરમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ર૦,૦૦૦ને પાર કરી ર૦,૦૦૪ થઈ ગઈ છે. હાલમાં ૧પ,૪૬ર સક્રિય દર્દીઓ છે જ્યારે ૩,૯૦૧ લોકો સ્વસ્થ બન્યા છે. કોરોનાથી મરનારાઓની સંખ્યા ૫૯૨ પર પહોંચ્યો છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૩૬ નવા કેસ નોંધાયા છે અને ૪૭ લોકોનાં મોત નીપજ્યાં છે એટલે કે દર એક કલાકે બે લોકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે. કર્મચારીઓને લાઇવ શો બંધ કરવો પડ્યો હતો. દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી કોરોના વાઇરસનો ભરડો ભારતમાં પણ મજબૂત બની રહ્યો હોય તેમ આજે મંગળવારે દેશભરમાં કુલ ૧૨૭૪ નવા કેસ મળી આવ્યા હતા, જેમાંથી ૪૬૬ મહારાષ્ટ્રથી આવ્યા છે તામિલનાડૂના ચેન્નઇમાં એક તમિલ ન્યૂઝ ચેનલના ૨૫ કર્મચારીઓ કોરોના વાયરસ સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષણ પરિણામો પછી, ચેનલે તેનો લાઇવ પ્રોગ્રામ મોકૂફ રાખવો પડ્યો છે.
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઈરસના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના ૧૫૮૦ અને ૧૮ એપ્રિલે ૧૩૭૧ નવા દર્દી મળ્યા હતા.સોમવારે સૌથી વધારે ૪૬૬ નવા કેસ મુંબઈમાં મળ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંથ્યા ૪૬૬૬ થઈ ગઈ છે. જ્યારે મૃતકોનો આંકડો ૨૩૨ છે, જે દેશમાં સૌથી વધારે છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકાર ૭૫ હજાર રેપિડ ટેસ્ટ કરશે
દેશમાં સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક રાષ્ટ્રપતિ ભવન પણ કોરોનોના સંકજામાં આવી ગયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરનારા એક સફાઈકર્મીની પુત્રવધુ કોરોના પોઝિટિવ આવી છે. તે પોતાના પરિવાર સાથે જ રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં રહેતી હતી. ત્યારબાદ કેમ્પસમાં રહેતા ૧૨૫ પરિવારોને હોમ ક્વૉરન્ટીન કરી દેવાયા છે.
સંક્રમિત મહિલાના સાસુની હાલમાં જ કોરોના વાયરસથી મોત થયુ છે. પીડિત મહિલાના પતિ અને પરિવારના અન્ય સભ્યો ઉપરાંત પડોશના બે અન્ય ઘરોમાં રહેતા કુલ ૧૧ લોકોને પણ હોમ ક્વૉરંટાઈનમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરતા ૧૦૦થી વધુ સફાઈકર્મી, માળી તેમજ દેખરેખ કરતા અન્ય લોકો પણ આ દરમિયાન મહિલાના પતિના સંપર્કમાં આવ્યા હતા.આ બધાને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે મહિલાની દીકરીમાં પણ કોરોનાના હળવા લક્ષણો દેખાયા હતા પરંતુ તેનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જરૂરી દિશા-નિર્દેશો મુજબ ૧૨૫ પરિવારોને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી હવામાન વિભાગમાં એક કર્મચારીનું કોરોના સંક્રમણથી મોત થયું છે. તેમના સંપર્કમાં આવેલા ૧૦ લોકો પોઝિટિવ માલુમ પડ્યા છે. તો યુપીના રાયબરેલીમાં ૩૩ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. લોકસભા સચિવાલયમાં કામ કરતો એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. દરમ્યાનમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમની સરકાર દિલ્હીના પત્રકારોના કોવિડ-૧૯ની તપાસ કરાવશે.
મધ્યપ્રદેશમાં કોરોનાના કારણે ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનના પ્રભારી યશવંત પાલનું કોરોનાના કારણે મોત થયું છે. તે અંબર કોલોની કન્ટેનમેન્ટ વિસ્તારમાં ડ્યૂટી દરમિયાન કોરોના પોઝિટિવ થયા હતા. તેમની સારવાર ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં ચાલી રહી હતી. આજે સવારે તેમનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૨૩૨ લોકોનાં મોત થયા છે. કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિનાશ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ ૪,૬૬૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના આ કુલ કેસોમાં ૩,૮૬૨ કેસ સક્રિય છે અને ૫૭૨ લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે અથવા છૂટા થયા છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૪૭ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોના ચેપનો મામલો વધી રહ્યો છે. રાજધાનીમાં કોરોના વાયરસના ૨૦૮૧ કેસોમાં અત્યાર સુધીમાં ૧૬૦૩ સક્રિય કેસ છે. જ્યારે કોવિડ -૧૯ રોગચાળાને કારણે ૪૭ લોકોનાં મોત નીપજ્યાં છે, ૪૩૧ લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે.
લોકસભા સચિવાલયમાં હાઉસકીપિંગ કર્મચારીનો કોરોના અહેવાલ સકારાત્મક બન્યો ત્યારબાદ હંગામો મચી ગયો છે. એક અધિકારીએ કહ્યું કે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે, આ સિવાય સંસદમાં કામ કરતા અન્ય કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ચેપગ્રસ્ત કર્મચારીના આખા પરિવારને અલગ રાખવામાં આવ્યા છે, તેમજ તબીબી ટીમ પણ તેમની નજર રાખી રહી છે.

ચેન્નાઇમાં ન્યૂઝ ચેનલના ૨૫ મીડિયાકર્મી કોરોનાની ચપેટમાં

દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધતો જઇ રહ્યો છે. દેશનાં અલગ-અલગ ભાગોમાં સતત એ લોકોનાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જેઓ કોરોનાની વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા છે. મુંબઈ બાદ હવે ચેન્નઈમાં પણ ન્યૂઝ ચેનલનાં ૨૫ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમિલ ન્યૂઝ ચેનલમાં કાર્યરત ૨૫ લોકો કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા છે, જેમાં પત્રકાર, કેમેરાપર્સન અને અન્ય લોકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ ન્યૂઝ ચેનલનાં લગભગ ૯૪ લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આના કારણે ચેનલે પોતાનો લાઇવ પ્રોગ્રામ પણ સસ્પેન્ડ કરવો પડ્યો છે. પોઝિટિવ કેસ આવ્યા બાદ અન્ય લોકોને પણ ક્વોરન્ટાઇન કરી લેવામાં આવ્યા છે.