(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
ભારતમાં સોમવારે કોવિડ-૧૯ના ૧૪,૮૨૧ નવા ચેપગ્રસ્તો નોંધાયા હતા. જેના પગલે હવે દેશમાં ખતરનાક વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૨૫,૨૮૨ થઈ ચૂકી છે. દેશમાં સૌપ્રથમવાર મહામારીથી એક જ દિવસમાં ૪૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે સવાર સુધીમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન કુલ ૪૪૫ લોકોના મોત નિપજ્યા છે. તેની સાથે મૃત્તકોની સંખ્યાનો કુલ આંક ૧૩,૬૯૯ પર પહોંચ્યો છે. કર્ણાટકમાં કોરોનાનાં ૨૪૯ નવા કેસો નોંધાયા, કુલ ૯,૩૯૯ કેસ, ૧૪૨નાં મોત થયા છે.દેશમાં અનલોક-૧ના અમલ સાથે જ કોરોનાના કેસોમાં પણ ઝડપભેર વધારો થઈ રહ્યો છે. જેના પગલે વિતેલા ૧૦ દિવસોમાં જ નવા કેસોની સંખ્યા ૨૪ કલાકમાં જ ૧૦ હજારથી ૧૫ હજારની સંખ્યાને પાર કરી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સતત ૧૧મા દિવસે ૧૦,૦૦૦થી વધુ નવા કોરોના ચેપગ્રસ્તો સામે આવ્યા છે. મંત્રાલયના વધુમાં જણાવ્યા મુજબ દેશમાં કોવિડ-૧૯ના ત્રણ લાખ કેસો પછીથી માત્ર ૮ દિવસમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૨૧મી જૂને ૪ લાખને પાર થઈ ચૂકી હતી. સોમવારે સવારે ૮ કલાક સુધીમાં અપડેટ આંકડા મુજબ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૨,૩૭,૧૯૫ દર્દીઓ ખતરનાક વાયરસને મ્હાત કરી ચૂક્યા છે. જ્યારે ૧,૭૪,૩૮૭ એવા દર્દીઓ છે, જે વાયરસનો શિકાર બનીને હાલ સારવાર લઈ રહ્યા છે. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કુલ ૯,૪૪૦ દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ સ્વસ્થ થનારાની ટકાવારી ૫૫.૭૭ ટકા થઈ ચૂકી છે. કેસો વધવા અંગે એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે કોરોના ટેસ્ટીંગની માત્રા વધારવામાં આવતાં વધુ કેસો બહાર આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં જ્યાં સૌથી વધુ કેસો છે તે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ ૧,૩૨,૦૭૫ કેસ નોંધાયા છે જેમાંથી ૬૦,૧૬૧ એક્ટિવ કેસ છે અને ૬૫,૭૪૪ લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે ૬,૧૭૦ લોકોના મોત થયા છે. રવિવારે ૧ લાખ ૯૦ હજાર ૭૩૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.