(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કેન્દ્ર ખાતેની મોદી સરકાર તરફથી અત્યાર સુધી ૩જી મે પછીની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટિ્વટ કરીને એવો સંકેત આપ્યો છે કે, આગામી સમયમાં લોકડાઉન ચાલુ રહી શકે છે. જોકે, કેટલાક સ્થળોએ રાહત આપવામાં આવશે. ખરેખર બુધવારે જ ગૃહ મંત્રાલયે સમીક્ષા બેઠક યોજાયા બાદ જ ટિ્વટ કરીને લખ્યું હતું કે દેશને લોકડાઉનનો બહુ લાભ મળ્યો છે અને પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોકડાઉનના લાભ હાથમાંથી છટકી ન જાય તેના માટે આપણે ૩જી મે સુધી લોકડાઉનનો સખતાઇથી પાલન કરવું પડશે. જોકે ત્યાર બાદ ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવેલા અન્ય એક ટિ્વટમાં એવું જણાવવામાં આવ્યું છે કે લોકડાઉનની નવી ગાઇડલાઇન્સ ૪થી મે સુધી જારી થઇ જશે. આ ટિ્વટથી સ્પષ્ટ થાય છે કે લોકોને હાલમાં લોકડાઉનથી કોઇ રાહત મળવાની નથી. આગામી દિવસોમાં પણ લોકડાઉન ચાલુ રહેશે પરંતુ દેશમાં બધા લોકો પોતાના જરૂરી કામ કરી શકે તેના માટે ૪થી મે બાદ લોકોને રાહત જરૂર આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે છેલ્લા ૨૮ દિવસથી જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, એવા વિસ્તારોમાં ૪થી મે બાદ રાહત આપવામાં આવશે. ઓરેન્જ ઝોન એટલે કે જે વિસ્તારોમાં છેલ્લા ૧૪ દિવસથી કોરોના વાયરસનો કોઇ કેસ આવ્યો નથી, ત્યાં પણ લોકોને રાહત આપવામાં આવશે પરંતુ રેડ ઝોનવાળા વિસ્તારોમાં લોકડાઉનમાં કોઇ રાહત મળવાની હોવાનું લાગતું નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ વધુ ન ફેલાય તેના માટે હોટસ્પોટ ઝોનમાં કોઇ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી, અમદાવાદ, મુંબઇ અને ચેન્નઇમાં હાલમાં કોઇ છૂટ આપવામાં આવશે નહીં.
દેશમાં ત્રીજી મે બાદ પણ લોકડાઉન ચાલુ રહેશે, ગૃહ મંત્રાલયે ટિ્વટ કરીને લોકોને સંકેત આપ્યો

Recent Comments