(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૬
દેશમાં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ તબક્કામાં ૨ મહિના લાંબું લોકડાઉન જાહેર કરાયું હતું, આ લોકડાઉનના કારણે નોકરી ગુમાવવાના કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે જે બધાની વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં રોજગારી આપવામાં ગુજરાત સૌથી પ્રથમ ક્રમે આવેલું રાજ્ય બન્યું હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો છે. ગુજરાતમાં બેરોજગારીનો દર ૩.૪% રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઘણું જ આગળ છે જ્યારે તેલંગાણાનો ક્રમ રોજગારી આપવામાં ઘણો જ પાછળ રહ્યો છે. સરકાર તરફથી જણાવ્યા અનુસાર, પીરિયોડિક લેબર ફોર્સ સર્વેમાં સામે આવ્યું છે કે, ગુજરાત નીચા બેરોજગારી દર સાથે રોજગારી આપવામાં ટોપ પર રહ્યું છે. આ સર્વેમાં સામે આવેલી વિગતો પ્રમાણે શહેરી વિસ્તારોમાં ૫૯ વર્ષ સુધીની વય જૂથમાં ગુજરાત રોજગારી આપવામાં સૌથી આગળ રહ્યું છે. બેરોજગારીનો દર રાજ્યમાં ઘટવાની સાથે પાછલા વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો છે. પાછલા વર્ષે પણ રાજ્ય સૌથી ઓછા બેરોજગાર સાથે ૪.૫% સાથે ટોચ પર રહ્યું હતું. આ પ્રગતિ પાછળ રાજ્યની નીતિઓ ઉપયોગી સાબિત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં સરળ નીતિઓ, ત્વરિત લોન સહાય, લેબર રિફર્મ્સ અને ઉદ્યોગ સંસ્થાપનમાં સરળતા જેવા મુદ્દાઓને મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે. ગુજરાતની સરખામણીમાં દેશના બાકી રાજ્યોની ઘણી જ અલગ પડી રહી છે. ગુજરાત પાછલા વર્ષના રેકોર્ડને તોડીને આ વર્ષે ૩.૪% બેરોજગારીના દર સાથે ટોચ પર રહ્યું છે તે પછી કર્ણાટક (૫.૩%), મહારાષ્ટ્ર (૬.૬%), તમિલનાડુ (૭.૨%), આંધ્રપ્રદેશ (૭.૮%), હરિયાણા (૯%), કેરળ (૧૧%) અને તેલંગાણા (૧૧.૫%) ઉતરતા ક્રમમાં આવે છે. આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેસ્ટીકલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.