વેલિંગ્ટન,તા.૧૪
વિશ્વમાં કોરોના વાયરસના સતત વધતાં કહેર વચ્ચે ન્યૂઝીલેન્ડને કોરોના વાયરસથી મુક્ત દેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ સામે લડી રહી છે અને વાયરસનો હાહાકાર સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડને સંપૂર્ણપણે કોરોના વાયરસથી મુક્ત દેશ તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશ્વ આખામાં કોરોના સામે લડવા માટે ઘણા બધા દેશો અત્યારે કોરોનાની વેક્સિનની રાહ જોઈને બેઠા છે ત્યારે આ દેશે કરી બતાવ્યું છે મહામારી સામે લડવા માટે કઈ રીતે કામ કરી શકાય છે. ન્યૂઝીલેન્ડ સરકારે હવે એક્ટિવ કેસ ન હોવા પર દેશમાં લાગેલા વિવિધ પ્રતિબંધોને હટાવી દીધા છે. નવા નિયમો મુજબ હવે આ દેશમાં લોકોને ભેગા થવા પર કોઈ જ પ્રતિબંધ નથી અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની પણ કોઈ જરૂર નથી. જોકે અત્યારે દેશમાં વિદેશીઓ માટે પ્રતિબંધ રહેશે. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી અને પીએમ જેસિંડાએ તેની જાહેરાત કરી છે. પીએમ જેસિંડાએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે દેશ હવે કોરોના વાયરસથી મુક્ત થઇ ગયો છે અને તે બાદ જેસિંડા ખુશી ઝૂમી ઉઠયા. તેમણે કહ્યું કે આપણે હવે એક સુરક્ષિત અને મજબુત પરિસ્થિતિમાં છીએ, જોકે કોરોના વાયરસ પહેલાની પરિસ્થિતિમાં પહોંચવું સરળ નહીં રહે. પીએમ જેસિંડાએ કહ્યું કે હવે અમારો ફોકસ સ્વાસ્થ્ય પ્રણાલીની જગ્યાએ દેશના આર્થિક વિકાસ પર હશે. પીએમ જેસિંડાએ દેશને સંબોધિત કરતા કહ્યું કે હજુ આપણું કામ સમાપ્ત થયું નથી પણ તે વાતથી ઇનકાર ન કરી શકાય કે દેશ કોરોના વાયરસથી મુક્ત થયો તે એક શાનદાર ઉપલબ્ધિ છે. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં ૨૫મી માર્ચના રોજ લોકડાઉન કરવામાં આવ્યું હતું અને તે બાદ હવે બધા જ પ્રકારના પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યા છે.